મોરબીમાં જમીનના ભાગની તકરારમાં યુવાને સગાભાઇ પર છુટા ઇટુના તથા લોખંડના ફર્માના ઘા મારી તેની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. બન્ને વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી આ મુદે તકરાર ચાલતી હતી. જેનો ગત તા.૧૪/૦૨/૨૦૨૩ના રોજ લોહીયાળ અંજામ આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સો-ઓરડી વિસ્તારમાં આવેલ ચામુંડાનગર મેઇન શેરી ખાતે રહેતા પ્રેમજીભાઇ જેઠાભાઇ સોલંકી નામના આધેડના સગાભાઇ અમરશીભાઇ જેઠાભાઇ સોલંકીને મકાનના પ્લોટના ભાગ બાબતે મનદુખ હોય અને લાઇટનુ મીટર તેઓના ઘરમા હોય જેથી પ્રેમજીભાઇ અમરશીભાઇના ઘરે લાઇટ બાબતે વાત કરવા ગયેલ ત્યારે અમરશીભાઇએ તેમને ગાળો બોલી છુટા ઇટુના તથા લોખંડના ફર્માના તથા લાકડાના ઘા મારી માથામા તથા શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડેલ જેના કારણે તેઓ ગંભીર રીતે ઘવાતા પ્રેમજીભાઇને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે પ્રેમજીભાઇના દીકરા પ્રકાશભાઇએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.