મોરબી તાલુકા પોલીસ દ્વારા ચાર વર્ષ પહેલા પુત્રના વિરહમાં કોઈને કહ્યા વગર ઘર છોડી જતા રહેલ વ્યક્તિને અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકા ખાતેથી શોધી લાવી પરીવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી સાહેબ તથા મોરબી નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા સાહેબએ જીલ્લામાં વણશોધાયેલ ગુમ/અપહરણ ના ભોગ બનનારને શોધી કાઢવા ખાસ સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય ત્યારે સને-૨૦૧૯ માં મોરબી તાલુકાની ધર્મલાભ સોસાયટી ખાતે રહેતા રમાબેન બટુકભાઇ કલોલાએ પોતાના પતિ બટુકભાઇ રણછોડભાઇ કલોલા ગત તા.૧૫/૦૨/૨૦૧૯ ના પોતાના ઘરેથી રફાળેશ્વર સોનલ કૃપા ટ્રાન્સપોર્ટ ખાતે ડ્રાઇવિંગ કરવા ગયેલ ત્યારબાદ તા.૨૪/૦૨/૨૦૧૯ ના રોજ ટ્રીપ કરી પરત આવી ઘરે નહી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરાવી હતી. જેને લઈ પોલીસે ટેકનીકલ સોર્સ આધારે ગુમ થનાર બટુકભાઇ રણછોડભાઇ કલોલાના મોબાઇલ નંબર મેળવી અને તપાસ કરતા ગુમ થનાર અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકા ખાતે હોવાનુ જાણવા મળતા તાત્કાલીક પી.આઇ. કે.એ.વાળાએ તપાસ કરનાર એ.એમ.ઝાંપડીયાને બાવળા ખાતે તપાસમાં જવા રવાના કરતા ગુમ થનાર અમદાવાદ જીલ્લાના બાવળા ખાતે આવેલ ઓનેસ્ટહોટલ ખાતેથી મળી આવતા તેઓને મોરબી ખાતે આવવા સમજાવી પોતાના ઘરે આવવા માટે રાજી કરી બટુકભાઇ ઉર્ફે નટવરલાલ રણછોડભાઇ કલોલાને મોરબી ખાતે લાવવામાં આવ્યા હતા.
ગુમ થનાર બટુકભાઇને મોરબીથી પોતાના પરીવારને જાણ કર્યા વગર જતા રહેવા બાબતે મોરબી તાલુકા પોલીસે પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે આજથી દસેક વર્ષ અગાઉ પોતાનો જુવાનજોધ દીકરો અમિત ગળેફાંસો ખાઇને ગુજરી ગયેલ હોય જેથી મોરબીમાં પોતાનુ મન લાગતુ ન હોય અને પોતાના દીકરાના વિચારો આવતા હોય જેના કારણે કોઇને કહ્યા વગર ચાલ્યા હતા. આમ છેલ્લા ચારેક વર્ષથી ગુમ થનાર બટુકભાઇને મોરબી તાલુકા પોલીસે અમદાવાદ જીલ્લાના બાવળા ખાતે આવેલ ઓનેસ્ટ હોટલ ખાતેથી પરત મોરબી લાવી પરીવાર સાથે મિલન કરાવ્યું હતું .