ઉદ્યોગનગરી મોરબીના સિરામીક, પેપરમિલ,બાંધકામ સહિતના ઉધોગમાં કામ કરતા લાખો મજૂર એમપી, યુપી, બિહાર, રાજસ્થાન, ઓરિસ્સા સહિત દેશના અનેક રાજયમાંથી મજૂરી માટે આવતા હોય છે.જો કે આ મજૂરોમાંથી ઘણા બધા મજૂરો એવા હોય છે જે તેમના વતનમાં કોઈના કોઈ ગુનામાં સંડોવાયેલા હોય છે અને અહીં ભાગીને આવેલા હોય છે. જેને લઈ મોરબી જિલ્લામાં કલેક્ટર દ્વારા અવારનવાર મજુરની નોંધણી કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે. જો કે ઉદ્યોગકારો આ જાહેરનામું ધોળીને પી જતા હોય તેમ મજૂરોની નોંધણી થતી નથી. જેને લઈ જિલ્લા પોલીસે આવા કોન્ટ્રાક્ટર્સ સામે લાલ આંખ કરી છે અને ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આવા ત્રણ કોન્ટ્રાક્ટર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના જીનપરા શેરી નં.૫ ખાતે રહેતા કોન્ટ્રાક્ટર કીરીટસિંહ મહીપતસિંહ તુવારએ પરપ્રાંતમાંથી મજુર બોલાવી લાકડધાર રોડ પર આવેલ સદભાવ સીરામીક કારખાનામાં મજૂરી માટે તેમને રાખ્યા હતા. પરંતુ તેઓનું MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે કારખાનાની ઓચિંતી તપાસ કરતા ત્યાં કામ કરતા મજૂરોનું એપમાં રજીસ્ટ્રેશન કરેલ ન હોવાનું જાણવા મળતા કોન્ટ્રાક્ટર કીરીટસિંહ મહીપતસિંહ તુવાર વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધ્યો છે.
જ્યારે વાંકાનેરના લેમ્બ સીરામીક,લાકડધાર રોડ,ઢુવા ખાતે રહેતા મૂળ બિહારના સોનુકુમાર શીવન નીષાદ નામના કોન્ટ્રાક્ટરે પરપ્રાંતથી મજૂરો બોલાવી તેમને લાકડધાર રોડ પર આવેલ લેમ્બ સીરામીક કારખાનામાં રાખેલ પોતાના કોન્ટ્રાકટમાં કામ કરાવતો હતો. પરંતુ તેણે મજૂરોના આઇડી પ્રુફ લીધેલ ન હોવાથી અને તેમનું MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું. જયારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે કારખાનામાં ચેકીંગ કરતા મજૂરોનું એપ પર રજીસ્ટ્રેશન કરાવેલ ન હોવાનું જાણવા મળતા આરોપીએ કલેકટર અને જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરતા આરોપી કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
ટંકારાનાં હડમતીયા ખાતે રહેતા શૈલેષભાઇ ધનજીભાઇ ડાકાએ પણ પરપ્રાંતીય શ્રમિકને ઢુવા-માટેલ રોડ પર આવેલ ઇટકોસ ગ્રેનીટો સીરામીક કારખાનામાં કામે રાખી આધાર પુરાવા નહિ મેળવી MORBI ASSURED એપ્સ.માં રજિસ્ટ્રેશન નહિ કરાવતા વાંકાનેર તાલુકા પોલીસે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી કારખાનેદારને શ્રમિકોની નોંધ વહેલીતકે કરાવી લેવા કડક સંદેશ આપ્યો હતો. તેમજ કોન્ટ્રાક્ટર શૈલેષભાઇ ધનજીભાઇ ડાકા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.