ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં કોસંબા રોડ પર ઉંટીયાદરા ગામ પાસે આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લુટ / ધાડ પાડવાના ઇરાદે અંદર ઘુસવાનો પ્રયાસ કરતા ૨૫ થી ૩૦ જેટલા ઈસમોને રોકતા આરોપીએ ત્રણ સીકયુરીટી ગાર્ડની નિર્મમ હત્યા કરી હતી. જે બનાવમાં પોલીસે નાસતા ફરતા એક આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૮/૦૯/૨૦૧૯ ના રોજ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસંબા રોડ પર ઉંટીયાદરા ગામ પાસે આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં સીકયુરીટી ગાર્ડ પોતાની ફરજ ઉપર હતા. ત્યારે મોડી રાત્રીના સમયે આશરે ૨૫ થી ૩૦ જેટલા અજાણ્યા ઇસમો પાઇપો, લાકડીઓ, ધારીયા, જેવા સશસ્ત્ર હથિયારો સાથે આવી પોતાના મોઢા કપડાથી ઢાકેલ હાલતમાં ધાડ પાડવા સારૂ કંપનીમાં અપપ્રવેશ કરી ધાડ પાડી કંપનીની માલ મિલ્કત લઇ જવાનો પ્રયત્ન કરતા ફરીયાદી તથા સાહેદો અને મરણજનારે આરોપીઓને રોકતા આરોપીઓએ એકસંપ કરી જીવલેણ હુમલો કરી મારમારી ગંભીર ઇજાઓ કરી મોબાઇલ ફોનની લુટ કરી સીકયુરીટીને કંપનીની રૂમમાં બંધક બનાવી સ્થળ પર ત્રણ સીકયુરીટી ગાર્ડના મોત નિપજાવી બેને ગંભીર ઇજા પહોચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં કુલ-૦૬ આરોપીઓ નાસતા ફરતા હતા. ત્યારે આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા (રહે.રોજીત તા.બરવાળા જી.બોટાદ) મોરબી જેતપર રોડ ઉપર આવેલ એન્ટીલા સીરામીકમાં મજુરી કામ કરે છે. તેવી બાતમી મોરબી ક્રાઇમ બ્રાન્ચને મળતા જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચ સાથે ઉપરોકત હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા (રહે.રોજીત કોળીવાસની બાજુમાં તા.બરવાળા જી.બોટાદ) મળી આવતા ઇસમને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામા આવ્યો હતો. અને આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને આરોપી અંગે જાણ કરવામાં આવી છે.