મોરબીમાં વધુ બે આપઘાતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં બે પરણિત મહિલાઓએ અલગ-અલગ સમયે અને સ્થળે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જે બંને બનાવોને લઈ મોરબી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
પ્રથમ બનાવમાં, ગીરીરાજ સોસાયટી ઘર નં.૧૭ ઉમા ટાઉનશીપની બાજુમા મોરબી-૨ ખાતે રહેતી પમાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા નામની પરણિત મહિલાએ તા.૨૮/૦૩/૨૦૨૩ ના રોજ સાંજના સમયે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા પી જતા તેના પરિવારજનો દ્વારા તેને પ્રથમ સારવાર અર્થે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ સીટી ખાતે આવેલ દોશી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું તા.૨૯/૩/૨૦૨૩ ના રોજ મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, હળવદ બસ સ્ટેશન પાછળ વાલ્મિકી વાસ ખાતે રહેતી સવિતાબેન ભરતભાઇ મારૂડ નામની પરણિત મહિલાને તેના પતિ ભરતભાઇ મારૂડ સાથે ઘરકામ બાબતે સામાન્ય બોલાચાલી થયેલ હોય જેથી સવિતાબેનને લાગી આવતા પોતાની જાતે ફિનાઇલ પી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું. જેને લઇ સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.