Thursday, May 2, 2024
HomeGujaratરાજકોટના બિલ્ડરના આપઘાતના પ્રયાસ મામલે કથિત વાયરલ સ્યૂસાઈડ નોટમાં મોરબીના ધારાસભ્ય અમૃતિયા...

રાજકોટના બિલ્ડરના આપઘાતના પ્રયાસ મામલે કથિત વાયરલ સ્યૂસાઈડ નોટમાં મોરબીના ધારાસભ્ય અમૃતિયા અને ટી ડી પટેલનો ઉલ્લેખ

બાર વર્ષ થી મોરબીમાં ઉમા ટાઉનશિપમાં કરોડો રૂપિયા સલવાયા હોવાથી બિલ્ડર જેરામ પટેલના જીવનની ડિઝાઇન ફરી ગઈ

- Advertisement -
- Advertisement -

રાજકોટ શહેર ના જાણીતા 70 વર્ષીય બિલ્ડર જેરામભાઈ કુંડારીયાએ કરેલા આપઘાતના પ્રયાસની ઘટનાના પાંચ દિવસ બાદ એક કથિત ત્રણ પાનાની સ્યૂસાઈડ નોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. કથિત સ્યૂસાઈડ નોટ માં રાજકોટ કૃતિ ઓનેલા ના બિલ્ડર-ભાગીદાર જેરામભાઈ કુંડારીયાએ ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વસંત તુરખીયા સહિત 9 લોકો સામે આર્થિક વ્યવહારો અને વ્યાજખોરીના આરોપ લગાવવામાં આવ્યા છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ દિવસ અગાઉ FIR નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં ઠાકરશી દિલીપભાઈ પટેલ અને રાકેશ નથવાણી સામે વ્યાજખોરી અને બળજબરીથી વસૂલાત કરવાના આરોપ લાગ્યા છે. જ્યારે ધોલેરાની જમીનના વિવાદમાં અનીશ ચારોલા,ગીરીશ ચારોલા,જયંત અજમેરા અને એચ.જી.કુનડીયાનો ઉલ્લેખ કરાયો છે.

વાઈરલ થયેલી કથિત સ્યૂસાઈડ નોટમાં મોરબી માળીયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા  ટી. ડી. પટેલ ઓમ શાંતિ સ્કૂલ મોરબી, વી. ટી. તુરખીયા રાજકોટ, ગીરીશ ચારોલા-અનીશ ચારોલા, જયંત અજમેરા, એચ. જી. કુનડીયા અને રાકેશ નથવાણી સામે કરાયેલા આરોપોની સંક્ષિપ્ત વિગતો નીચે અનુસાર છે.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા

ઊમા ટાઉનશીપ મોરબી ખાતે 12 વર્ષ પહેલાં ભાગીદારીમાં જોડાયા હતા. જો કે, અમારો હિસ્સો સમયસર થયો નથી અને ચીરીપાલ ગ્રુપ (Chiripal Group) તરફથી દસ્તાવેજ નથી કરી દેતા એવા બહાના બનાવી રહ્યાં છે તેમજ જેટલો હિસ્સો આપ્યો છે તેના દસ્તાવેજના ચેકના રૂપિયા પાછા મળતા ન હતા. વર્ષો પછી પૈસાના બદલે ન વેચાયેલા ફલેટ આપવામાં આવે છે. વ્યાજે રૂપિયા લઈને રોકાણ કરેલું જેથી મોટું આર્થિક નુકસાન થયું છે. ગજુ પણ 6500 ફૂટ જમીન મારા ભાગની લેવાની નીકળે છે જે મળતી નથી. 12 વર્ષ પહેલાં 9 બંગલા ભાગીદારીમાં બનાવેલા જેમાં મારો ભાગ 16 ટકા છે. જેની જમીનનો દસ્તાવેજ કરી દેતા નથી. જેથી બંગલા વણ વેચાયેલા પડ્યા છે અને તેમાં પણ અપાર નુકસાની ભોગવવી પડી છે.

ટી. ડી. પટેલ ઓમ શાંતિ સ્કુલ મોરબી

ટી. ડી. પટેલ પાસેથી આજથી 12 વર્ષ પહેલાં 2.40 કરોડ કંપનીમાં લીધેલા જેની જવાબદારી મારી હતી. અત્યાર સુધીમાં 24 કરોડ ચૂકવી દીધા છે અને તેની સામે પેઢી-વ્યક્તિગત ચેક આપ્યા છે તેમજ સિક્યુરિટી પેટે જમીનનો હિસ્સો લખાવી લીધો છે. આમ છતાં હજુ પણ બાકીના વ્યાજ પેટે 1.50 કરોડ લેણાની ઉઘરાણી કરી ધમકી આપે છે. ચેક બેંકમાં ભરવાની તેમજ લખાણ તેમની પાસે હોવાથી કોર્ટ કાર્યવાહી કરવાની ધમકી આપી જીવવું મુશ્કેલ બનાવી દીધું છે.

વી. ટી.તુરખીયા રાજકોટ

વી. ટી. તુરખીયા સાથે છેલ્લાં 10 વર્ષથી પેસાની લેતી-દેતીનો વ્યવહાર છે અને તેમને પણ મુદ્દલ કરતાં વધારે વ્યાજ પેટે ચૂકવી દીધા છે. અમદાવાદ ખાતેની જમીનનો દસ્તાવેજ એચ. એસ. પટેલના નામે કરાવી લીધો છે. જે જમીન 7-8 કરોડની હતી 4.5 કરોડ લઈ લીધા છે. હજુ બાકીના રૂપિયાની ઉઘરાણી કરી કૃતિ ઓનેલામાંથી હિસ્સો લેવા દબાણ કરે છે અને ભાગીદારો તેમજ સમાજમાં મારી આબરૂ ઓછી કરવાનું ષડયંત્ર કર્યા કરે છે. જીવવું ખૂબ મુશ્કેલ છે.

ગીરીશ ચારોલા-અનીશ ચારોલા રાજકોટ

અમદાવાદના રિટાર્યડ ડીવાયએસપી એચ એમ કુંડારિયા અનીશ ચારોલાના મામા છે અને તેઓની સાથે ભાગીદારીમાં છે. 12 વર્ષ અગાઉ ધોલેરા ખાતે સંયુક્ત ભાગીદારીમાં જમીન લીધી હતી. જમીનમાં તેઓનો હિસ્સો 5 ટકા હતો, પરંતુ તેમના ખાતે 12.5 વીઘા જમીન સતિષના ખાતે છે. જેમાં અમુક જમીન વેચીને તેના ભાગે આવતા રૂપિયા આપી દીધા છે, પરંતુ તેની પાસે 8.5 વીઘા જમીન વધારાની છે. જે બીજા ભાગીદારને દસ્તાવેજ કરી આપવાનો થતો હોય. જમીનના ભાવ વધી જતાં દસ્તાવેજ કરવાની ના પાડે છે. જેની કિંમત અંદાજે 1.50 થી 2 કરોડ છે અને બીજા ભાગીદારો આ જમીનનો દસ્તાવેજ કરવા મારી ઉપર દબાણ કરે છે.અનીશ ચોરાલ અને તેમના પિતા ગીરીશ ચારોલાએ આખા ગામમાં મને બદનામ કરી દીધો છે.

જયંત અજમેરા રાજકોટ

ધોલેરામાં જે તે સમયે ભાગીદાર હતા અને ખેડૂત ખાતેદાર ન હોવાથી તેઓએ દસ્તાવેજ બીજાના નામે કરાવ્યો હતો. છેલ્લાં 12 વર્ષથી પોતાના નામે દસ્તાવેજ કરાવ્યો નથી, પરંતુ હવે ભાવ વધતા જે મારા નામે જમીન છે અને મારા હિસ્સાની છે તેમાંથી પોતાને દસ્તાવેજ કરાવી આપવા દબાણ કર્યા કરે છે.

એચ. જી. કુનડીયા રાજકોટ

ધોલેરામાં ભાગીદાર છે. જમીનમાં તેમનો હિસ્સો 3 ટકા છે જે મૂડીમાં છે. જે તે સમયે મૂડીમાં 20 વીઘા જમીનનો દસ્તાવેજ એચ. જી. કુનડીયાના નામે કરેલો, પરંતુ હાલ જમીનની કિંમત વધી જતાં તેઓ દસ્તાવેજ કરી દેવાની કોઈ પણ બહાના બતાવી ના પાડે છે. વાસ્તવમાં તેઓના ભાગે 20 વીઘામાંથી અઢી-ત્રણ વીઘા આવે છે, પરંતુ દાનત બગડવાથી ખોટા બહાના બતાવીને દસ્તાવેજ કરી આપતા નથી. બાકીના ભાગીદારો મારી ઉપર દબાણ કરે છે.

રાકેશ નથવાણી રાજકોટ

80 લાખની સામે 2 કરોડ આપી દીધા છે. હજુ ચેક બેંકમાં ભરવાની વાત કરે છે તેમજ વધુ 50-60 લાખની ઉઘરાણી કરે છે. ગત 5 એપ્રિલના રોજ સાંજે નથવાણીએ ફોન કરી ‘તમને જોઈ લઈશ, તમારી ગાડી લઈ જઈશ, ગુંડા લઈને આવું છું માર ખવડાવવાનો છું, તમારી બાયડીના ઘરેણાં તૈયાર રાખજો, તમારી અવસાન નોંધ છાપામાં જોવા માગું છું’ એવી ધમકી આપેલી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!