મોરબીમાં આપઘાત અને અકસ્માતે મોતનાં બનાવોમાં સતત વધારો નોંધાતો જઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અકાળે મોતના કુલ ચાર બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં બે લોકોના ગળેફાંસો ખાઈ તથા ત્રણ લોકોના ટ્રેન હડફેટે આવી જતા મોત નિપજ્યા છે.
પ્રથમ બનાવમાં, મોરબીના વીશીપરા રણછોડનગર સાઇબાબાના મંદીર સામે નવલખી રોડ ખાતે રહેતા આબીદ ઇસુબભાઇ કજુડીયા નામના યુવકે ગઈકાલે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે જાતેથી ગળે ફાંસો ખાઇ જતા તેના નાના ભાઇ મયુદીન ઇસુબભાઇ કજુડીયા તેમને તાત્કાલિક મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં, મોરબીના રફાળેશ્વર નજીક માલગાડી હડફેટે આવી જતા સચિન હિતેશભાઈ ચૌહાણ (ઉ. વ.૧૭) અને મેહુલ મનસુખભાઇ મકવાણા (ઉ. વ.૧૮) નામના બે યુવકોનાં મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, બન્ને યુવકો મોરબીના ભડીયાદ ગામ પાસે આવેલ જવાહર સોસાયટીના હોવાનું સામે આવ્યું છે. તેમજ બનાવની જાણ થતા જ રેલવે પોલીસ અને મોરબી તાલુકા પોલીસે બન્ને વ્યક્તિની ઓળખ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બે જુવાનજોત યુવકોના મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.
ત્રીજા બનાવમાં, મોરબીના લુંટાવદર ડીઝા નોન વુવેન કારખાનાના લેબર કવાર્ટરમા રહેતા મોહીત સૈની નામના યુવકે ગઈકાલે બરવાળા રેલ્વેસ્ટેશનથી લુંટાવદર ગામના રસ્તે આવેલ ડીઝા નોન વુવેન કારખાનાના લેબર કવાર્ટરમા પોતે કોઇ કારણસર ગળે ફાંસો ખાઇ લેતા તેને અંબારામભાઇ મોહનભાઇ રાંકજા દ્વારા તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ચોથા બનાવમાં, હળવદના સુખપર ખાતે રહેતા ભરતભાઇ નરશીભાઇ વડેચા નામના યુવક ગત રાત્રીના સુખપર રેલ્વે ફાટકથી સુખપર ગામ તરફ જતા હતા ત્યારે સુખપર ગામ તરફ ૫૦૦ મીટર ના અંતરમાં કોઇ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેનમાં આવી જતા કપાઇ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને પી.એમ. અર્થે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.