અખાત્રીજના પાવન દિવસે ટંકારા ઉમિયા સમુહ લગ્ન સમિતિ કડવા પાટીદાર સમાજ દ્વારા 11મો શાહી સમુહ લગ્નોત્સવ યોજાયો જેમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા અનેક નામાંકિત હસ્તીઓ હાજર રહી. સ્વયં સેવકોએ ફરજનિષ્ઠા બજાવી કાર્યક્રમોને સફળ બનાવ્યો હતા.
છેલ્લા અગિયાર વર્ષથી અખાત્રીજના પાવન દિવસે કડવા પાટીદાર સમાજના ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા શાહી લગ્નોત્સવ યોજવામાં આવે છે. તા. 22 એપ્રિલને શનિવારના રોજ નવ નિર્માણ ટંકારા પાટીદાર સમાજ ભવન ખાતે યોજાયેલ આ શાહી સમુહ લગ્નોત્સવમાં મંગલગીતો અને શરણાઈના સૂર સાથે 27 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડયા હતા. લગ્નોત્સવ દરમ્યાન રક્તદાન, બેટી બચાવો, સ્વચ્છ ભારત, પાણી બચાવો, વૃક્ષો વાવો તેમજ પશુ-પક્ષીની જીવમાત્રની જાળવણીનું મહત્વ, મેડિકલ સાધન સહાય જેવી વિવિધ સામાજિક સુધારા અંગે ચિત્રાવલી થકી જાગૃત કરવા સહિયારો પ્રયાસ કર્યો હતો. આ શુભ પ્રસંગે મહંત દામજી ભગત, કેન્દ્ર સરકારના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ટંકારા પડધરી ધારાસભ્ય દુલભજી દેથરીયા, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમ્રૂતીયા સાંસદ સભ્ય મોહનભાઇ કુડારીયા, માજી ધારાસભ્ય બ્રિજેશ મેરજા, બાવનજી મેતલિયા સિદસર પ્રમુખ જેરાજ વાસઝાણીયા આંબાભગત જગ્યા ના પ્રમુખ હરેશ ધોડાસરા જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી, લેઉવા પાટીદાર સમુહ લગ્ન સમિતિ સહિતના સામાજિક – રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નવયુગલોને આશિર્વાદ આપ્યા હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સૌથી મોટો ફાળો સ્વયંસેવકોનો છે : ઉમિયા સમુહલગ્ન સમિતિ
અગનગોળા ફેંકતા સૂરજ વચ્ચે છેલ્લા પાંચેક દિવસથી નામાંકિત ઉધોગપતિ, નોકરીયાત, રાજકીય અગ્રણી પોતાના સમાજના અવસરને દિપાવવા ઘર આંગણે રૂડો પ્રસંગ હોય એમ નિજ અભિમાન કે પૈસાનો દંભ છોડી જાત મહેનત થકી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે બપોર ટાકણે જીવ માત્ર આકુળ-વ્યાકુળ બની ત્રાહિમામ પોકારી રહ્યા છે.ત્યારે અલગ અલગ કમિટીના સભ્યો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્ન સમિતિના અધ્યક્ષ અરવિંદ બારૈયા, પ્રમુખ હિરાભાઈ ફેફર સહિતની કમિટીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.