હળવદના ટીકર ગામે આવેલ પશુ પાલક કાળુભાઇ માવજીભાઇ રબારીની વાડીમાં આગજનીની ઘટના સામે આવી હતી. જેમાં પશુ પાલકે ભેગો કરેલ લાખો રૂપિયાનો ચારો આગમાં ભસ્મી ભુત થયો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદના ટીકર ગામે પશુ પાલક કાળુભાઇ માવજીભાઇ રબારીની વાડી આવેલ છે. જ્યાં તેઓએ ૪૦૦ માલઢોર માટે ઘાસચારો એકઠો કરેલ હતો. જેમાં આજ રોજ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પળ ભરમાં જ આશરે ૪ હજાર મણ સૂકું ઘાસ અને ૮૦૦ મણ ભૂસુ ( ગવારની ફોતરી) બળીને ખાક થઈ ગઈ હતી. ત્યારે બનાવની જાણ થતા જ ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યો હતા. તેમજ બનાવને લઈ હળવદ નગરપાલિકા ફાયર ફાઈટરોનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પોતાની મહેનત શ્વાહા થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.