હાલ ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ હીટ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે જરૂરી છે કે, આ બાબતે યોગ્ય સાવચેતી રાખીને જરૂરી પગલા લેવામાં આવે.
કર્મચારીઓ અને કામદારો મુખ્યત્વે દિવસ દરમિયાન કામગીરી કરતા હોય છે ત્યારે તેમના કામના સ્થળે યોગ્ય વ્યવ્સ્થાઓ જળવાય અને કર્મચારી કે કામદાર પોતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખે તે જરૂરી છે. કર્મચારીઓ અને કામદારો માટે કામના સ્થળે પીવાનું ઠંડુ પાણી પૂરું પાડવું જોઈએ. આરામ કરવાની જગ્યાએ સ્વચ્છ પાણી, છાશ, આઈસ પેક સાથે ફર્સ્ટ એઇડ કીટ્સ અને O.R.S. પૂરા પાડવા જોઈએ. મજૂરોએ સીધા સૂર્યપ્રકાશમાં આવવાથી સાવધાની રાખવી. તડકાનાં સમયને બદલે દિવસના ઠંડા સમયમાં કામગીરી ગોઠવવી જોઈએ.
ખાસ કરીને બહાર કામ કરવા જતા લોકો માટે આરામ કરવાના સમયની મર્યાદા વધારવી જોઈએ. વધુ પ્રમાણમાં ગરમ હોય તેવા વિસ્તારમાં ઓછા કલાક માટે તથા હળવું કામ આપવું જોઈએ. સગર્ભા મહિલાઓ અને સારવાર ચાલતી હોય તેવા મજૂરોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઉપરાંત મજૂરોને હીટ વેવની ચેતવણી આપતી નોટીસ આપવી જોઈએ.