ભારતીય રિઝર્વ બેંકે 19 મે 2023 શુક્રવારના રોજ રુપિયા 2000ની નોટને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. બેંક દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલા બાદ દેશમાં તમામ લોકો હવે પોતાની પાસે રહેલી 2000ની નોટને ક્યાં વાપરવી અને ક્યાં જમા કરવી તેના માટે દોડાદોડી કરી રહ્યા છે. પરંતુ અમુક સંસ્થાઓ તથા કંપનીઓ દ્વારા 2000 રૂપિયાની નોટ સ્વીકારવામાં નથી આવતી. આવું જ કંઈક બન્યું મોરબીમાં.
મોરબીનાં સામાકાંઠે ત્રાજપર ચાર રસ્તા પાસે આવેલ IIFL ફાઇનાન્સમાંથી યુવરાજસિંહ વાઘુભા જાડેજા (રહે યોગીનગર) નામના વ્યક્તિએ ગોલ્ડ લોન લીધેલ હતી અને તે ગોલ્ડ લોનની ભરપાઈ કરવા માટે તેઓ ગયેલા ત્યારે ત્યાં હાજર કર્મચારીએ ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. 2000 ની નોટ ચલણમાં ૩૦ સપ્ટેમ્બર સુધી રેહવાની હોવા છતાં લેવાની ના પાડતા યુવરાજસિંહ વાઘુભા જાડેજાએ તેમના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તે વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં અધિકારી કહે છે કે, અમોને ઉપરથી ઓર્ડર આવેલ છે. જો તમને તકલીફ હોય તો તમે RBIમાં કંપ્લેન્ટ કરી શકો છો. ત્યારે યુવરાજસિંહ જાડેજા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, સામાન્ય માણસ માટે તકલીફોનો પહાડ ઉભો કરનાર વ્યક્તિ અને સંસ્થા ઉપર RBI એ કોઈ નક્કર નિર્ણય કરી કાર્યવાહી કરવી પડે. નાના લોકોને આ રીતે હેરાન કરી મોટા માથાનાં પૈસાની અદલા બદલી કરી દેવા માટેથી અને કાળા નાણાંમાં કમિશન ખોરી કરવા માટેથી આ વર્તન કરી રહ્યા હોઈ એવું અત્યારે ઘણા લોકો અનુભવી રહ્યા છે.