મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વધુ એક આગજનીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી હતી. જેમાં ચંપલનો અંદાજે 5 લાખથી વધુનો માલ બળીને ખાક થયો હતો. જો કે ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યું હતું.
મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, મોરબીના સામાકાંઠે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં ભાડેથી રહેતા અને ચંપલનો વેપાર કરતા વેપારી જગદીશભાઈ બાબુભાઇ નામનાએ પોતાના રહેણાંક મકાને રૂ. 5 લાખનો ચંપલનો જથ્થો રાખેલ હોય ત્યારે આજ રોજ વેપારીના ઘરે કોઈ કારણોસર ફાટી નીકળતા જોત જોતામાં આખા ઘરમાં આગ પ્રસરી જવા પામી હતી. જેના કારણે ઘરમાં રહેલા ચંપલનો જથ્થો આગની ચપેટમાં આવી ગયો હતો અને જેના કારણે અંદાજે રૂ.5 લાખનો ચંપલનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. ત્યારે બનાવને લઈ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.