હનીટ્રેપમાં ફસાવીને ખોટી દુષ્કર્મની ફરીયાદનો ભય બતાવીને કરોડો રૂપિયાની માંગણી કરી યુવાનને દુષપ્રેરણના કારણે ગળે ફાસો ખાઇ મરવા મજબુર કરવાના કેસમાં વાવાઝોડા બાદ ગતિ આવી હોય તેમ હનીટ્રેપમાં મુખ્ય મહિલા આરોપી નો પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજની પાલારા ખાસ જેલ ખાતેથી કબ્જો સાંભળ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૦૫/૦૬/૨૦૩ ના રોજ માધાપરના દિલીપ આહીર નામના યુવાનને હનીટ્રેપની જાળમાં ફસાવી રૂપિયા ચાર કરોડની ખંડણી માંગવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું.જેમાં બળત્કારનો ખોટો આરોપ થતા દિલીપે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ત્યારબાદ નખત્રાણા પોલીસ મથકે કુલ નવ આરોપીઓ વિરુદ્ધ હનીટ્રેપ કરી મરવા મજબુર કરાયો હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા તથા પોલીસ અધીક્ષક ડો.કરનરાજ વાઘેલાએ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ તમામ આરોપીઓની અટક કરવા માટે સુચના આપેલ હોય જેને લઇ ગતરોજ એલ.સી.બી. પી.આઇ. તથા એલ.સી.બી. ટીમ સાથે ભુજ ની પાલારા ખાસ જેલ ખાતે જઇ નામદાર કોર્ટના ટ્રાન્સફર વોરંટ આધારે મુખ્ય મહિલા આરોપી મનિષા ગજુગીરી ગોસ્વામીનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મહિલા આરોપી મનિષા ગજુગીરી ગોસ્વામી અનેક વખત પોલીસ ચોપડે પોતાનું નામ નોંધાવી ચુકી છે.ત્યારે હાલ આ મહિલા આરોપી નો કબજો સંભાળી પશ્ચિમ કચ્છ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.