વાંકાનેરથી અમદાવાદ ગાડીમાં પશુને ભરીને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળતા મોરબીના ગૌરક્ષકો સહિતની ટીમે બે ગાડીઓને ચોટીલા બાઉન્ડ્રી ઉપર રોકવી ૧૯ પશુ ભરેલ બંને આઇસર ગાડી પકડી પશુઓના જીવ બચાવ્યા હતા અને ચાર આરોપીઓને પોલીસ હવાલે કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, ચોટીલા મોરબીના જાબાજ ગૌરક્ષકો અને હિન્દુ યુવા વાહિની દ્વારા વધુ એક વખત કતલખાને લઈ જવાતા પશુઓના જીવ બચાવવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે ચોટીલા ગૌરક્ષક જીવદયા ટીમ અને મોરબી હિન્દુ યુવા વાહીની ગૌરક્ષક જીવદયા ટીમ ચોટીલા બાઉન્ડ્રી ખાતે વોચમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર બાજુથી બે આઇસર ગાડી અમદાવાદ બાજુ જવાની છે અને તેમા અબોલ પશુઓને ભરીને કતલખાને લઈ જાય છે. જે બાતમીના આધારે ચોટીલા બાઉન્ડ્રી ઉપર GJ-3-AT-2989 અને GJ-13-AT-9779 નંબરની આઇસર ગાડીને રોકી ચેક કરતા તે બંને ગાડીમાંથી પાડા અને મોટી ભેસો મળી કુલ ૧૯ પશુઓ હોય જે ખીચો ખીચ ક્રૂરતાપૂર્વક બાંધેલા હોય તે મળી આવતા ગૌરક્ષકોએ ગાડી ચાલક અને તેના સાથેના સાથીદાર સહિત ચાર આરોપીને પકડી પાડ્યા હતા. અને બનાવ અંગે સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કરવામાં આવી હતી. જેને લઇ તાત્કાલિક ધોરણે પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી જતા તેઓએ ગાડીને ચોટીલા પોલીસ સ્ટેશને લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષક અને ચોટીલાના ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, દલસુખભાઈ, અનિલભાઈ, જયનભાઈ અજયભાઈ પરમાર, પ્રશાંતભાઈ, હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ કે.બી.બોરીચા, હિન્દુ યુવાહીની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઇ પાટડીયા, ગૌરક્ષક – જીતુભાઈ ચાવડા, પંકજભાઈ નકુમ, જયદીપભાઇ, પાર્થભાઈ, દિનેશભાઈ, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા તથા વૈભવભાઈ પટેલ જોડાયા હતા.