મોરબી પોલીસ દ્વારા વિદેશી દારૂનું વેચાણ નિસ્ત નાબૂદ કરવા એક ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ દ્વારા ઠેર-ઠેર રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે ગઇકાલે મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે મોરબીનાં લાતી પ્લોટમાં આવેલ ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પી.એસ.આઇ. કે જે ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, સાગરભાઇ મગનભાઇ પટેલ (રહે. મોરબી વાવડી રોડ, મીરાપાર્ક)એ મોરબી લાતી પ્લોટ શેરી નં-૪-૫ ની વચ્ચે ટેલીફોન એક્ષચેન્જની પાછળ ગોડાઉન ભાડેથી રાખી તેમાં પેપરકપ ની આડમાં ઇગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખી તેનુ વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસે લાતી પ્લોટ શેરી નં-૦૫/૦૪ માં આવેલ ગોડાઉનમાં રેઇડ કરતા ગોડાઉનમાંથી ગેર કાયદેસર રીતે પરપ્રાંતમાંથી મંગાવેલ ભારતીય બનાવટનો રૂ.૧૦,૨૦૦/-ની કિંમતનો બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીનો ૧૨ બોટલ, રૂ.૨૨,૯૬૦/-ની કિંમતનો સીગ્નેચર રેર વ્હીસ્કીનો ૨૮ બોટલ તથા રૂ.૧૧,૦૦૦/-ની કિંમતનો સીમરન ઓફ વોડકાનો ૨૦ બોટલનો મુદ્દામાલ મળી આવતા પોલીસે મુદ્દામાલ સાથે સાગરભાઇ મગનભાઇ કાસુન્દ્રા (રહે મોરબી, વાવડી રોડ, મીરાપાર્ક છેવાડે, તા.જી.મોરબી. મુળ ગામ આમરણ(બેલા) તા.જી.મોરબી) નામનો ઇસમ મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.