દેશમાં એક્સપ્રેસ-વે અને હાઈવેનું નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે. લોકોની મુસાફરીની સુવિધા અને ટોલ ટેક્સ વસૂલવા માટે આ હાઈવે પર ટોલ-પ્લાઝા પણ બનાવવામાં આવ્યા છે. ટોલ પ્લાઝાની નજીક રહેતા અને હાઈવે પર સતત મુસાફરી કરતા સ્થાનિક લોકોને રાહત આપવા માટે તેમને પાસ આપવાની યોજના છે. તેમ છતાં વાંકાનેર નજીક આવેલ ટોલ નાકાએ આસપાસના ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ ઉઘરાવવામાં આવી રહ્યો છે. જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર વઘાસિયા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝાનું છેલ્લા પંદર વર્ષથી વઘાસિયા ગામના અને વાંકાનેર તાલુકા કરણી સેના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા સંચાલન કરવામાં આવતું હતું. જેમના દ્વારા સરકારના નિયમોનુસાર આસપાસના ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ વસુલવામાં આવતું ન હતું. પરંતુ હાલમાં જ એજન્સી બદલાયેલ હોય જેથી ટોલ પ્લાઝા આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી પણ ટેક્સ વસુલવાની વાત વહેતી થઈ છે જે બાબતે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. તેમજ વાસ્તવમાં સરકાર હાઈવે પર ટ્રાફિક વધારીને ટોલની આવક વધારવા પર ભાર આપી રહી છે. તે જ સમયે, ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોની હંમેશા એવી માંગ રહે છે કે તેમને ટોલમાં રાહત આપવામાં આવે, કારણ કે સ્થાનિક હોવાને કારણે તેમને સતત મુસાફરી કરવી પડે છે. ત્યારે વઘાસિયા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિકો પાસેથી પણ ટેક્ષ ઉઘરાવવામાં આવતા સ્થાનિકો રોષે ભરાઈ મોટી બબાલ સર્જે તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે.