મોરબી જિલ્લામાં ગઇકાલે અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે.
પ્રથમ બનાવમાં, મોરબીના વીશીપરા પ્રજાપત કારખાના સામે રહેતા વલ્લભભાઈ દેવજીભાઈ તરવાડીયા નામના યુવકે ગઈકાલે કોઈપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જતા તેને સોહીલભાઈ સુમરા દ્વારા મોરબી સરકારી હોસ્પિલે સારવારમાં ખસેડવામા આવ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલા યુવકનું પ્રાણ પંખીડું ઉડી જતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી હતી.
બીજા બનાવમાં, મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ સીમોરા સીરામીકની મજુરની ઓરડીમાં રહેતો મુળ મધ્ય પ્રદેશનો કમલદાસ દેવદાસ કુમરે નામનો યુવક ગત તા.૦૫/૦૭/૨૩ ના રોજ રફાળેશ્વર પાનેલી રોડ સીમોરા સીરામીક પાછળ ખરાબાની જમીનમાં આવેલ ઉંડા પાણીના ખાડામાં નાહવા ગયો હતો. ત્યારે તે નાહતા-નાહતા ખાડાના ઉંડા પાણીમાં ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે સ્થાનિકોએ યુવકને બહાર કાઢી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા બનાવમાં, જીવાપર ગામની સરવાણીયો નદીમાં બાબુ બીજલભાઇ ફાંયગલીયાની વાડી પાસે નદીમાં એક પુરૂષની લાશ તરતી જોવા મળતા સ્થાનિકોએ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી. જેને લઈ ટંકારા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલ પી.એમ અર્થે ખસેડી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે પાણીમાં ડુબી જતા મોત થયેલનું જાહેર કર્યું હતું. જો કે, લાશ કોહવાઇ ગયેલ હોવાથી પી.એમ. થઈ ન શકતા મૃતદેહને રાજકોટ સિવીલમાં રીફર કરેલ છે. ત્યારે સમગ્ર મામલે ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.