મોરબીમાં માથાભારે શખ્શો દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદે વ્યાજખોરીના વ્યવસાયમાં અનેક ઘર બરબાદ થઇ રહ્યા છે. જેને લઈ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આવા વ્યાજખોરો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે વચ્ચે વધુ એક વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં વ્યાજખોરોને વ્યાજ સહીત મુળી આપી દીધી હોવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા ખેડૂતે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં ટોળ ગામે રહેતા મહમદભાઇ ઉસ્માનભાઇ બાદી નામના યુવકે આરોપી મૂકેશભાઇ ઝાપડા (રહે.ટંકારા) પાસેથી ૧૦ લાખ રૂપીયા ૧૦ ટકા લેખે, મહેન્દ્રસીહ ગોહીલ (રહે. ઘુનડા(ખા) તા.ટંકારા) પાસેથી ૩ લાખ ૧૦ ટકા વ્યાજે તથા યોગેન્દ્રસીહ ગોહીલ (રહે. ઘુનડા(ખા) તા.ટંકારા) પાસેથી અઢી લાખ વ્યાજે લીધેલ હતા. જેનુ વ્યાજ ૮ ટકા લેખે લીધેલ હોય તેઓનુ વ્યાજ સહીત રકમ આપી દીધેલ હોવા છતા આ લોકો તથા તેના મળતીયા માણસો કનુભાઇ ઝાપડા (રહે.ટંકારા), રજાકભાઇ સમા (રહે.ટંકારા), અંકીતભાઇ ચૌધરી (રહે. હાલ ગાંધીધામ) તથા ગીરીરાજસિંહના ભાઇ નાઓ ફરિયાદીના ઘરે તેમજ ફોનમાં તથા ફરિયાદીની વાંકાનેર ખાતે આવેલ દુકાને જઇ વ્યાજ તથા મુદલની રકમ આપવાની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીને ફોનમા તથા રૂબરૂમાં પૈસા નહી આપેતો જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.