મોરબી જિલ્લામાં સમયાંતરે અવાર-નવાર દેશી દારૂ ઉપર પોલીસ તંત્ર દ્વારા ધોંસ બોલાવી, મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. છતાં આરોપીઓ બેફામ બનીને મદિરા પાન કરવાના માર્ગ શોધી લે છે, પરંતુ પોલીસની બાજ નજરથી નથી બચી શકતા. ત્યારે મોરબી એલ.સી.બી. પોલીસે ગઈકાલે સાપર ગામની સીમમાંથી બે ઈસમોને મોટરસાઇકલમાં દેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પોલીસેગઈકાલે બાતમીના આધારે સાપર ગામની સીમ ગાળા-સાપર રોડ સેગમ સીરામીક સામે વોચ ગોઠવી રાખી GJ-36-AG-0496નંબરની મોટરસાઇકલ રોકી તપાસ કરતા એક પ્લાસ્ટિકના બાચકામાં આશરે ૨૦૦ એમ.એલ. કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકની ૧૫૦ કોથળીઓ જેમાં રૂ.૬૦૦/-ની કિંમતનું ૩૦ લીટર કેફી પ્રવાહીનો મુદ્દામાલ મળી આવતા પોલીસે ગફુર રવાભાઇ નોતીયાર (રહે.ખીરઇ તા.મા.મિ. જી.મોરબી) તથા નવધણભાઇ ઉર્ફે નોધો દિનેશભાઇ હમીરપરા (રહે.સાપર કબ્રસ્તાન પાસે તા.જી.મોરબી) નામના આરોપીઓની પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ વેચાણ કરવાના ઇરાદે આ મુદ્દમાલ મોટરસાઇકલમાં સમીર શાઉદીન જેડા (રહે.ખીરઇ તા.મા.મી.જી.મોરબી) પાસેથી મેળવ્યું હતું. જેને પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી રૂ.૨૫૦૦૦/- ની મોટરસાઇકલ મળી કુલ રૂ.૨૫,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ સમીર શાઉદીન જેડાને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.