મોરબી ના નવલખી ફાટક ને કાયમી ધોરણે બંધ કરી દેવાતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ આ નિર્ણય ને કારણે આજુ બાજુમાં રહેતા લોકો ને તકલીફો વેઠવાનો વારો આવ્યો છે અને ઓવર બ્રિજ પરથી જવાની ફરજ પડી રહી છે જેમાં ઈંધણ અને સમય નો પણ વેડફાટ થઈ રહ્યો છે.જેને લઇને આજે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડા અને રેલવે મંત્રી દર્શના બેન જરદોશ ને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.
જે રજુઆત માં જણાવાયું છે કે,મોરબીમાં આવેલ રેલવેનું નવલખી ફાટક નંબર ૩૬ કે જેને રેલવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ છે.આ ફાટક ની આજુ બાજુની સોસાયટીમાં રહેતા લોકો પોતાની કાયમી અવર જવર આ ફાટક વાળા રસ્તા પરથી જ કરે છે.જે ફાટક ને હવે રેલવે તંત્ર દ્વારા કાયમી બંધ કરી દેવામાં આવતા લોકોને અન્ય લાંબા રસ્તા પર મુસાફરી કરવી પડે છે.જેના કારણે લોકોનો સમય તો બગડે જ છે સાથે ઇંધણ નો પણ વધુ પ્રમાણ માં વપરાશ થાય છે જેને કારણે લોકોને આર્થિક ભારણ પણ વધી રહ્યું છે. જેથી આ નવલખી ફાટક નંબર ૩૬ ને ખુલ્લી કરવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે વિનંતી કરવામાં આવી છે.