સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથેના ફોટા પોસ્ટ કરનાર સામે પોલીસ ગુના નોંધી કાર્યવાહી કરી રહી છે. પરંતુ તેમ છતાં કેટલાક શખસો હજુ પણ આ બાબતે કાયદાની પરવાહ કર્યા વગર આવા ફોટા અપલોડ કરતા હોય છે. ત્યારે મોરબીના એક યુવકે હથિયાર સાથેનો ફોટો વોટ્સએપ સ્ટેટસમાં પોસ્ટ કરતા મોરબી એસ.ઓ.જી. ટીમે એક યુવક તથા હથિયારનાં પરવાને ધારક આધેડને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મુસ્તાકભાઇ અનવરભાઇ જામ (રહે.જામવાસ હંજીયાસર તા.માળીયા જી.મોરબી)એ પોતાની પાસે કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના વોટ્સએપ સ્ટેટસમાં ફોટો પોસ્ટ કરી તેમજ અનવરભાઇ હારૂનભાઇ (રહે. જામ વાસ હંજીયારસર તા.માળીયા જી.મોરબી)એ પોતાનું લાયસન્સવાળુ હથીયાર મુસ્તાકભાઇ અનવરભાઇ જામ પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેને આપી,લાયસન્સ ધારકની શરત ભંગ કરતા મોરબી એસ.ઓ.જી. ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.