મોરબી માળીયા હાઇવે ઉપર ગત મધ્યરાત્રીના એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ડમ્પર હાઇવેના ડિસ્પ્લે બોર્ડના થાંભલા સાથે અથડાતા થાંભલો ટ્રકની કેબીન ઉપર પડ્યો હાતો. જેના કારણે ડમ્પરનો ચાલક કેબીનમાં દટાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો હતો. જયારે અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
મળતી માહિતી અનુસાર, ગત રાત્રીના સમયે જીજે-03-T-9549 નંબરના ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર મોરબી માળીયા હાઇવે ઉપર ગાળા ગૂંગણ ગામના પાટિયા નજીક હાઇવે ઓથોરિટીના મહાકાય ડિસ્પ્લે બોર્ડ સાથે અથડાવી દેતા ડિસ્પ્લે બોર્ડનો મહાકાય થાંભલો ડમ્પરની કેબીન ઉપર ધરાશયી થયો હતો. ત્યારે ડમ્પરનો ચાલક સમયસર બહાર ન નીકળી શકતા તે ડમ્પરની કેબિનમાં જ દબાઈ ગયો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે બનાવને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તેમજ બનાવની ફાયર વિભાગને જાણ થતા તેઓએ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ વાહનની મદદથી ટ્રકની કેબિનમાં થાંભલા નીચે દબાયેલા ડ્રાઇવરના મૃતદેહને મહામહેનતે બહાર કાઢ્યો હતો. અને વાહન સાઈડમાં કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યું હતું.