મોરબીનો યુવક તેની પત્ની સાથે નારણકા ગામે તેના સબંધીને ઘરે જતો હતો. ત્યારે ખેવરિયા પાસેના કોઝવે ઉપર તેમનો થેલો પાણીમાં પડી જતા તે લેવા ગયેલ યુવકનો પાણીમાં ગરકાવ થયો હતો. ત્યારે બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓ તથા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડે આવેલ કાલિકા પ્લોટમાં આવેલ પરસોતમ ચોક પાસે રહેતા રફિકભાઈ હુશેનભાઈ શેખ નામના પરણિત શખ્સ તેની પત્ની સાથે નારણકા ગામે તેના સબંધીને ઘરે જતા હોય ત્યારે નારણકા જવાના રસ્તે શનિવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં વરસાદ પડવાને કારણે ખેવરિયા પાસેના કોઝવે ઉપરથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયેલ હોય તેમાંથી બાઇક લઈને પસાર થતી વેળાએ દંપતી પાસે રહેલ મોબાઈલ, પાકીટ સહિતનો માલ ભરેલ થેલો પાણીમાં પડ્યો હતો. જે લેવા ગયેલ યુવક અકસ્માતે પાણીમાં ડૂબી ગયો હતો. જેને બચાવવા તેની પત્ની પાછળ જતા તેનો પણ પાણીમાં ગરકાવ થયો હમતો. જો કે સ્થાનિકોએ સમય સુચકતા દાખવી મહિલાને બચાવી લીધી હતી. તેમજ સમગ્ર મામલે મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરાવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને યુવકની પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. તે ઉપરાંત ગઇકાલે બપોર પછી રાજકોટ ફાયર વિભાગની ટીમ પણ યુવકની શોધખોળમાં જોટવાઈ હતી. દરમિયાન રાતના ૧૨ વાગ્યે પાણીમાંથી રફીકભાઈની લાશ મળી આવી હતી. આમ ૩૨ કલાકની જહેમત બાદ ફાયરની ટીમને તળાવના પાણીમાંથી ડૂબી ગયેલા રફિકભાઈ હુશેનભાઈ શેખનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.