વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં દરેક માણસના જીવનમાં મોબાઈલ એક અંગત સાધન રૂપ સાબિત થઈ રહ્યું છે. આ મોબાઈલમાં માણસો પોતાના કિંમતી ડેટા પણ સેવ કરીને રાખતા હોય છે. પરંતુ આ મોબાઈલ ફોન ખોવાય કે ચોરાઈ જાય ત્યારે માણસને મુશ્કેલી થતી હોય છે. પોલીસ સમક્ષ અરજી કરતા હોય છે. આ ખોવાયેલ અથવા તો ચોરાયેલ મોબાઈલ ફોન મૂળ માલિકને પરત આપવામાં સમગ્ર રાજ્યમાં રાજકોટ પોલીસ પ્રથમ નંબરે આવી રહી છે. ત્યારે ગઈકાલે વધુ એક ઈસમને માલવીયાનગર પોલીસે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ફોન સાથે મવડી ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવ તથા નાયબ પોલીસ કમીશ્નર સુધીરકુમાર દેસાઈ ઝોન-૨ તથા મદદનીશ પોલીસ કમીશ્નર બી.જે. ચૌધરીએ મીલકત સબંધીત તથા ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ તથા ઈ- એફ.આઈ.આર.માં દાખલ થયેલ ગુન્હાઓમાં અજાણ્યા ચોર આરોપીને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનવ્યે પી.આઈ એ.બી. જાડેજાના સીધા સુચના-માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઇ. એમ.એસ.મહેશ્વરી તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓએ ચોરીના બનાવમાં આરોપીને શોધી કાઢવા માટે તેઓના ખાનગી બાતમીદારો મારફતે તેમજ અગાઉ આવી એમ.ઓ. ધરાવતા પકડાયેલ આરોપીઓની વોચ તપાસમાં રહેલ તેમજ ટેકલીનકલ એનાલીસીસ આધારે અજાણ્યા આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા આ દરમ્યાન ગઈકાલે સર્વેલન્સ સ્કોડને ખાનગી બાતમીદાર મારફતે મળેલ ચોક્ક્સ હકીકત આધારે મવડી મેઈન રોડ, મવડી ચોકડી પાસેથી આરોપી અનિલ રાજુભાઇ સાંકળીયા (રહે.જિમખાના પાસે કેરીયા રોડ કલરવ હોસ્પિટલ વાળી શેરી રેલ્વે સ્ટેશન અમરેલી)ને ચોરીમાં ગયેલ REALME કંપનીનો કોમેટ વ્હાઈટ કલરનાં મોબાઇલ ફોન જેની કિંમત રૂ.૧૬,૦૦૦ /- હોય તે મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.