હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીના ફોર્મ ભરવાનો ગઇકાલે આખરી દિવસ હતો ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજીસ્ટારની નિમણૂક કરવામાં આવી હતી જોકે આ અધિકારી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ભેદભાવ રાખતા હોવાનો કોંગ્રેસ દ્વારા ધગધગતો આક્ષેપ કરવામાં આવ્યો છે.
હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થયા બાદ ગઇકાલે ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો ખેડૂત વિભાગની 10 બેઠક તેમજ વેપારી પેનલની ચાર બેઠક મળી કુલ ૧૪ બેઠકો પર ફોર્મ ભરાયા હતા. જોકે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજીસ્ટાર ડી વી ગઢવીને મૂકવામાં આવ્યા હતા. આ અધિકારી દ્વારા આખો દિવસ ભેદભાવ ભરી નીતિ થી કામ કર્યું હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે જ્યારે ભાજપ તરફથી કોઈ વ્યક્તિ ઉમેદવારી નોંધાવા જાય તો તેને અધિકારી દ્વારા આગતા સ્વાગત કરવામાં આવતી હતી. જ્યારે વિપક્ષનો કોઈ વ્યક્તિ ફોર્મ ભરવા માટે જાય તો અધિકારી ઓરમાયું વર્તન કરતા હોય સાથે જ બેથી વધુ વ્યક્તિને ચેમ્બરમાં ન આવવાના નિયમો લાગુ કરી દેતા હતા.તેમજ સાંજના સમયે ભાજપના કાર્યકરોને માહિતી આપી દેવામાં આવી હતી અને અન્ય ને માહિતી આપવાનો ઇનકાર કરતા હોવાના આક્ષેપો હળવદ ધાંગધ્રા યુથ કોંગ્રેસના પ્રમુખ ગોપાલભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યા છે.