હળવદ પંથકમાં ગઈકાલે બપોરના સુમારે ધોધમાર વરસાદ શરુ થયો હતો જેને પગલે ખેડૂતો ખુશખુશાલ થયા હતા. જયારે બીજી બાજુ હળવદની પટેલ વાડી પાસે કન્યા છાત્રાલયની બાજુમાંથી પસાર થતા નાળામાં એક ગાય ફસાઈ હતી. જેને સ્થાનિકો તથા ખેડૂતોએ મહામહેનતે બહાર કાઢી હતી.
મળતી માહિતી અનુસાર, ગઇકાલે હળવદ પંથકમાં મેઘરાજા એ દે ધના ધન બે કલાકમાં ૨ ઇંચ કરતા વધુ વરસાદ વરસાવી દેતા નદી નાલા છલકાયા હતા. જેમાં હળવદની પટેલ વાડી પાસે કન્યા છાત્રાલયની બાજુમાંથી પસાર થતા નાળામાં ગાય ફસાઈ ગઈ હતી. ત્યારે ગાયનુ મોટા ભાગનુ શરીર કલાકો સુધી કાદવમાં ખુંચેલું હોય જે ત્યાંથી પસાર થતા લોકોની નજરમાં આવતા મોહનભાઈ ભરવાડ, દશરથભાઈ ભરવાડ, ભગાભાઈ ભરવાડ, હિતેશભાઈ ભરવાડએ કોઈ પણ સાધન વગર ગાયને બચાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. ત્યારે કોઈ પટેલ ખેડૂત પસાર થતા તેને પોતાની હાઇડ્રો ટ્રેકટર મંગાવી આ ગાયને બચાવવામાં પૂરતી મદદ કરી હતી. આ સાથે નામી અનામી લોકોના સેવાભાવથી ગાયને હેમખેમ બચાવી લેવામાં આવી હતી.