છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત અવિરત વરસાદ વરસતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ડેમ ભરાયા છે. તેમજ કેટલાક ડેમ ઓવરફ્લો પણ થયા છે. ત્યારે વરસાદની આ તીવ્રતા આવતીકાલ સુધી યથાવત રહેવાની અને 25 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ગટવાની શક્યતા છે. તેમજ રાજકોટ અને મોરબી જિલ્લામાં શનિવારે મેઘા મનમુકીને વરસ્યા હતા. જો કે દિવસભર વરસાદી વાદળો વધતા ઓછાં અંશે વરસતા રહ્યા હતા અને અડધાથી ચાર ઇંચ સુધીનું પાણી પડી ગયું હતું.
જેના પગલે મોરબી જિલ્લાનો મચ્છુ 1 ડેમ 80% ભરાયો હતો. જયારે મચ્છુ 2 ડેમ 59.27%, મચ્છુ 3 ડેમ 67.83%, ડેમી 1 ડેમ 37.53%, ડેમી 2 ડેમ 29.98%, ડેમી 3 ડેમ 29.17%, ઘોડાધ્રોઈ ડેમ 91.83%, બંગાવડી ડેમ 50.58%, બ્રાહ્મણી 1 ડેમ 42.31% તથા બ્રાહ્મણી 2 ડેમ 49.47% ભરાઈ ગયો છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પરિણામે હજુ પણ ડેમોમાં નવા નીરની આવક ચાલુ છે.