રાજ્યમાં વકરતા ડ્રગ્સના દુષણને નાથવા પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે મોરબીમાંથી હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે. રાજસ્થાનનાં શખ્સો મોરબીમાં ગેરકાયદેસર હેરોઇન લઈને ઘુસ્યા હોવાની બાતમી મળતા જ મોરબી એસ.ઓ.જી. ટીમે તેમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, રાજસ્થાનના બે શખ્સો મોરબીમાં ગેર કાયદેસર માદક પદાર્થ હેરોઇનનો જથ્થો લઈ આવેલ છે. અને તેઓ હાલ મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડના સર્વીસ રોડ પરના પીકપ બસ સ્ટેશન પાસે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી કૈલાશ ગોરખારામ નાઇ (રહે. પનલ કી બેરી તા.ધોરીમના જી.બાડમેર રાજસ્થાન) તથા રમેશકુમાર મોહનરામ સિયાગ (રહે. હાલ રામજી કી ગોલ મુળ રહે સગરાણીઓ કી બેરી તા.ગુડામાલાની જી.બાડમેર રાજસ્થાન) નામના બે આરોપીઓને પકડી પાડી કૈલાશ ગોરખારામ નાઇ પાસેથી માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ૧૪૯.૬૦ ગ્રામનોરૂ.૭,૪૮,૦૦૦/- તથા રૂ.૫૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન તેમજ રમેશકુમાર મોહનરામ સિયાગપાસેથી રોકડા રૂપીયા ૪૬૦૦/- તથા રૂ.૫,૫૦૦/-ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂપીયા ૭,૬૩,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ બંનેની પુછપરછ કરવામાં આવતા આ હેરોઇનનો જથ્થો કૈલાશ ગોરખારામ નાઇએ રમેશકુમાર મોહનરામ સિયાગ પાસેથી મેળવેલ અને રમેશકુમાર મોહનરામ સિયાગએ હેરોઇનનો જથ્થો દિનેશ બિશ્નોઇ (રહે.કારોલા રોડ, સાંચોર રાજસ્થાન) નામના શખ્સ પાસેથી મેળવેલ હોવાનું જણાવ્યું હતું. જેને લઈ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.