જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે કડક કાર્યવાહી કરવા આપ્યા નિર્દેશો
વધુ પેસેન્જર તેમજ માસ્ક અંગેના નિયમોનો ભંગ કરનારના વાહન પણ ડિટેઇન કરવાની કામગીરી કરાશે
કોરોના અંગેની સરકારની ગાઇડલાઇન મુજબ મોરબીના રિક્ષાચાલકો અને પેસેન્જર વાહનોની ચકાસણી કરી નિયમસર કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે આદેશ આપ્યા છે. મોરબી શહેર તેમજ જિલ્લાના અન્ય શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રિક્ષાચાલકોને મંજૂરી કરતાં વધુ પેસેન્જરો ન બેસાડવા તેમજ પેસેન્જરો પણ ફરજિયાતપણે માસ્ક પહેરે તેની તકેદારી લેવા જણાવ્યું છે.
ગત શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલ બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રિક્ષાચાલકો સહિત તમામ પેસેન્જર વાહનોમાં કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર મુસાફરોને બેસાડવા તેમજ મુસાફરો પણ માસ્ક પહેરવાની તકેદારી લે તેવો અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર વિવિધ પેસેન્જર વાહનોમાં મુસાફરો બેસાડવા અંગે કડક વલણ અપનાવી આગામી સમયમાં નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વાહન ડિટેઇન કરવાની કામગીરી અંગે પણ સુચનાઓ આપી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત રિક્ષા સહિત તમામ પેસેન્જર વાહનોમાં મુસાફરી કરતાં મુસાફરો પણ માસ્ક પહેરવાની તકેદારી લેવાની રહેશે. મુસાફરોએ જો માસ્ક નહીં પહેર્યું હોય તો વાહનચાલકને પણ જવાબદાર ગણી તેની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે મળેલ બેઠકમાં જણાવ્યું હતું.