મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ગઈકાલે તા.૩૦-૦૭-૨૦૨૩ નાં રોજ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૫ થી કોલેજ ક્ક્ષાનાં વિદ્યાર્થીઑને સન્માનિત કરવામાં સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરાયું હતું.
મોરબી જીલ્લા રાજપૂત સમાજનાં જણાવ્યા અનુસાર, શિક્ષણ ઉત્કર્ષથી સંગઠન અને સવગી વિકાસના ઉચ્ચતમ આયામો હાંસલ કરવાના શુભ આશયથી છેલ્લા ૫૧ વર્ષથી નિરંતર યોજાતો ઘોરણ ૫થી અનુસ્નાતક કક્કા તેમજ વિવિધક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર રાજપૂત સમાજના વિધાર્થી ભાઈ-બહેનો તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરવાનો વિશિષ્ટ કાર્યક્રમ ગઈકાલે તા.૩૦-૦૭-૨૦૨૩ ને રવિવારનાં રોજ કેશવ બેન્કવીટ હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ સ્થાને સાંસદ અને મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા ઓફ વાંકાનેર તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ,રાપર કચ્છ ના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા,કચ્છ અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા તેમજ કિરીટસિંહ રાણા લીમડી અને જ્યોતિરાદિત્ય જયરાજસિંહ જાડેજા ગોંડલ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ક્ષત્રીય સમાજને કહ્યું હતું કે, સુતેલા સિંહનાં મોઢામાં હરણ આવીને નથી બેસી જતું. એની માટે સિંહને પણ મહેનત કરવી પડે છે. અને આ જમાનો મહેનતનો છે. હું દરેક જગ્યાએ કહું છું. ૧૯મી સદી એવી સદી હતી કે જેની પાસે બાહુબળ હતું એને જગત પર રાજ કર્યું, વીસમી સદી એવી સદી હતી કે, જેની પાસે મૂડી હતી. એણે જગત પર રાજ કર્યું અને આ એકવીસમી સદી એવી સદી છે કે જેની પાસે જ્ઞાન હશે, એ જગત પર રાજ કરવાનો છે. આ સ્પર્ધાત્મક યુગની અંદર આપણે ટકી રહ્યા છીએ. આપણે વર્ષો સુધી માં શક્તિની ઉપાશના કરી હવે માં શકતી સાથે માં સરસ્વતીની ઉપાસના કરવાની આવશ્યકતા છે. અને માં સરસ્વતીની ઉપાસના કરીશું તો માં લક્ષ્મીની કૃપા આપણા ઉપર બની રહેશે તેમ કહેતા ક્ષત્રિય સમાજને મોટો સંદેશ આપ્યો હતો.