સૌરાષ્ટ્રમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. તેમ છતાં થોડા સમય પહેલા પડેલ ભારે વરસાદને પગલે અનેક નાના મોટા જળાશયોમાં નવુ નીર આવ્યું છે. તેમજ મોરબીના જીવાદોરી સમાન મચ્છુ-૦૨ ડેમમાં પણ ભરપૂર પાણીની આવક થતાં હાલ ડેમ ૮૦% ભરાઈ ગયેલ છે. તેમજ હજુ પણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા ૩૩ ફૂટની ઊંચાઈ ધરાવતો આ ડેમ ૨૯.૭૯ ફૂટ ની સપાટી પર પહોંચ્યું છે. જેને લઈ મોરબી અને માળીયા તાલુકાના મળી કુલ ૩૦ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
હાલ ડેમમાં ૩૭૯ ક્યુસેક પાણીની આવક થઇ છે. જેને પગલે ૩૧૦૪ ક્યુસેક પાણી સમાવવાની ક્ષમતા ધરાવતા ડેમમાં પાણીનો જથ્થો ૨૪૮૪.૩૯ ક્યૂસેકે પહોંચ્યો છે. જેને લઈ મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તથા માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ તથા માળિયા (મી) ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના અપાઈ છે.