ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને અગ્રણી લાખાભાઈ જારિયા સહિતના આગેવાનોની હાજરીમાં જેલ રોડ પરના રબારીવાસમાં વિનામૂલ્યે સારવારનું દવાખાનું ખુલ્લું મુકાયું
મોરબી : દર્દી નારાયણની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. આ ધ્યેય સાથે સામાન્ય રોગોના ઈલાજ માટે મોંઘી હોસ્પિટલમાં સારવાર લેવી ન પોસાય તેવા દર્દી નારાયણને વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આરોગ્ય સેવા પ્રદાન કરવા માટે આજે રવિવારથી અમૃતમ હોસ્પિટલ(ક્લિનિક) શરૂ કરવામા આવી છે. આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને અગ્રણી લાખાભાઈ જારિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જેલ રોડ પરના રબારીવાસમાં અમૃતમ હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી હતી. જ્યાં આસપાસ વિસ્તારોના તમામ લોકોને તબીબી સુવિધાનો વિનામૂલ્યે લાભ મળશે.
મોરબીમાં નાત જાતના ભેદભાવ મિટાવીને હમ સબ એક હૈની ભાવના સાર્થક કરવા સદાય દરેક વર્ગના લોકો માટે સામાજિક, શૈક્ષણિક, તેમજ દરેક પ્રકારની સેવા પ્રવૃત્તિ કરી સર્વધર્મ સમભાવને ચરિતાર્થ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ હવે દર્દી નારાયણની સેવા કરવા માટે આગળ આવ્યું છે અને દર્દી નારાયણને સામાન્ય તાવ શરદી, ઉધરસ, ઝાડા ઉલ્ટી સહિતના રોગોની સારવાર માટે ખાનગી દવાખાના કે મોંઘી હોસ્પિટલમાં તગડી ફી ચૂકવવી ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપે આરોગ્ય સેવા શરૂ કરવાનો દ્રઢ સંકલ્પ કરીને આ દિશામાં આગળ વધીને આજે રવિવારે તા.13ના રોજ સવારે 9-30 કલાકે જેલ રોડ ઉપર આવેલ રબારીવાસના ક્રિષ્ના પાન સામે અમૃતમ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી રીશીપભાઈ કૈલા, વોલ ક્લોક આસોસીયેશનના અગ્રણી શશાંકભાઇ દંગી, સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ, નિવૃત પી.આઈ. જેમલભાઈ રબારી, વોર્ડ નંબર ૧૩ પૂર્વ કાઉન્સિલર ભાનુબેન નગવાડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનોએ યંગ ઇન્ડિયા ગ્રુપની સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી.
આ ક્લિનિકમાં રબારી વાસ, વણકરવાસ, વાલ્મિકી વાસ, મતવાવાસ, જેલ રોડ, બોરીચા વાસ, લીલાપર રોડ પરના તમામ વિસ્તારો, મકરાણીવાસ, વજેપર, લખધીરવાસ સહિતના આસપાસના તમામ વિસ્તારોના લોકો નાત જાતના કોઈપણ ભેદભાવ વગર વિનામૂલ્યે આરોગ્ય સેવા પ્રદાન કરવામાં આવશે. તેમજ આ હોસ્પિટલમાં શ્રેષ્ઠ તબીબની સારી સારવાર અને દવા મળી રહી છે.
આ આરોગ્ય સેવા શરૂ કરવા અંગે સંસ્થાપક ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ઉપયોગ બધા વિસ્તાર શ્રમજીવીઓ હોય સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા હોવાથી સામાન્ય તાવ શરદી, ઉધરસ, ઝાડ ઉલ્ટી સહિતની બીમારીઓ માટે ખાનગી દવાખાના કે મોંઘી હોસ્પિટલમાં સારવાર પરવડે એમ નથી છતાં તમામ વર્ગના લોકોને ખાનગી દવાખાનામાં કે મોટી હોસ્પિટલમાં જવું પડે છે અને પોતાની આર્થિક સ્થિતિને ન પરવડે એવો ખર્ચ કરી નાખવા મજબૂર બનતા હોય છે. ત્યારે આવા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા લોકો વિનામૂલ્યે સારી આરોગ્ય સેવા મળી રહે તેવો જ અમારો ઉદેશ્ય છે. આથી આ હોસ્પિટલમાં તમામ સારવાર વિનામૂલ્યે જ આપવામાં આવી રહી છે. તેમજ આગામી સમયમાં વિસ્તૃતીકરણ પ્રોજેકટ અન્વયે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી આરોગ્ય સેવા શરૂ કરવામાં આવશે તેવુ તેમણે જણાવ્યું હતું.