રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠી તરફથી જિલ્લામાં મિલ્કત સંબંધી ચોરીના ગુનાઓ બનતા અટકાવવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાનાં ઢવા ચોકડી પાસેથી રીઢા ચોરને તેના સાગરીતોની ચોરની ટોળકી બનાવી ચોરીના ગુન્હાને અંજામ આપે તે પહેલા શંકાસ્પદ હાલતમાં ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે ચોર ટોળકીને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારી પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ઢુવા માટેલ રોડ, ભવાની હોટલ પાસેથી ગૌતમભાઇ ઉર્ફે ગવો ટપુભાઇ ડાભી (રહે થાન દલવાડી નગર રૂપાવટી રોડ,જી.સુરેન્દ્રનગર), અમીત ઉર્ફે પુષ્પા દીલીપભાઇ પરમાર (રહે.થાન મેલડીમાં મંદીર રૂપાવટી ચોકડી, રામા ધણીનો નેસડો જી.સુરેન્દ્રનગર) તથા હિતેશભાઇ દયારામભાઇ કણજરીયા (રહે.થાનગઢ પોલીસ સ્ટેશન પાછળ ભોયરૈશ્વર મહાદેવ મંદિર પાસે જી.સુરેન્દ્રનગર) એકબીજા સાથે મેળાપીપણુ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા અને પોતાના આર્થિક ફાયદા માટે જુદી જુદી જગ્યાની રેકી કરી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના મીલ્કત સંબંધીત ગુનાઓ કરવા રીઢા ચોરની ટોળકી બનાવી ચોરીઓના ગુનાઓ આચરેલ હોવાનુ તથા પોકેટ કોપ મોબાઇલ ફોનમાં સર્ચ કરતા ગૌતમભાઇ ઉર્ફે ગવો અગાઉ વાહન ચોરીના કુલ ૮ ગુનાઓ આચરેલ હોવાનું જણાતા આ ત્રણેય ઇસમોએ ચોરની ટોળકી બનાવી ચોરી કરવાના સાધનો કટર, ડીસમીસ, અલગ અલગ મોટરસાઇકલની ચાવીઓ, રૂ.૨૨,૫૦૦/-ની કિંમતના ૬ મોબાઇલ ફોન, રૂ.૫૦,૦૦૦/-ની કિંમતની મોટરસાઇકલ મળી કુલ રૂ.૭૨,૫૭૦/-ના મુદામાલ સાથે ચોરીના ગુન્હાને અંજામ આપવાના ઇરાદે આવતા શંકાસ્પદ હાલતમાં મળી આવતા ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ મજકુર આરોપીઓ પાસેથી મુદામાલ કબજે કરવામાં આવેલ છે.