ગુજરાતમાં ગાંજા સહિતના કેફી દ્રવ્યો મળી આવવા કોઈ મોટી વાત રહી નથી અને હવે ગાંજા જેવા નશાકારક પદાર્થ સાથે કિશોર વયના બાળકો પણ ઝડપાઈ રહ્યા છે.ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબીનાં લીલાપર કેનાલ રોડ પાસેથી ગાંજાના જથ્થા એક કિશોર સહીત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગત તા.૧૯/૦૮/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટીના નાલા પાસેથી બે શખ્સો નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ લઇ નીકળનાર છે. જેઓની પાસે ગાંજાનો જથ્થો છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી રાખી બાતમી વાળી મોટરસાઇકલ નીકળતા તેઓની મોટરસાઇકલ રોકી મોટરસાઇકલ સવાર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઇ આરબ શેખ (રહે.હાલ વાકાનેર લીંબાળા ગામ સ્મશાન ની પાછળ ઓરડીમા મુળરહે.મોરબી પાડાપુલ નીચે)ની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી કાળા કલરની પ્લાસ્ટીકની કોથળીમા ભરેલ રૂ.૧૭૯૦/-ની કિંમતનો ૧૭૯.૬૨ ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે ગાંજો સાથે મોટરસાઇકલ, બે મોબાઇલ તથા રોકડ રૂ.૩૪૦ મળી કુલ રૂ.૨૪,૬૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ને તેના વાલીને સોંપ્યો હતો.