મોરબી ગ્રામ્ય મામલતદાર દ્વારા મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીની લોબીમાં અરજી કરવા આવેલ દિવ્યાંગ અરજદાર પ્રત્યે સહનુભૂતિ દાખવીને તેઓને તાત્કાલિક મદદ કરીને તંત્રની માનવતાવાદી વલણનો દાખલો પૂરો પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આજરોજ લાલબાગ સેવા સદન ખાતે આવેલ મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીની લોબીમાં એક દિવ્યાંગ અરજદાર મહમદભાઈ કાસમભાઇ પલેજા પોતાના કોઈ સરકારી કામ માટે આવેલ બરાબર એ જ સમયે મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા પોતાની ચેમ્બરમાં જઈ રહ્યા હતા અને આ દિવ્યાંગ અરજદારને જોઈ તેમની પાસે જઈ શું કામ છે તેમ પૂછતા પોતાનું ચૂંટણી કાર્ડ તૂટી ગયેલ હોય નવું ચૂંટણી કાર્ડ કઢાવવાનું છે. તેમ જણાવતા મામલતદારે તાત્કાલિક પોતાના સ્ટાફને લોબીમાં બોલાવી અરજદાર પાસેથી જરૂરી પુરાવાઓ મેળવી ત્યા જ ફોર્મ ભરી દિવ્યાંગ અરજદારને પરત તેમની ટ્રાયસીકલમાં બેસાવડાવી રવાના કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દિવ્યાંગ અરજદાર મોરબી શહેરના મતદાર યાદી ભાગ નંબર 196, મોરબી 67 ના મતદાર છે. મોરબી શહેરના મતદારોએ આ કામગીરી માટે વીસી ફાટક પાસે આવેલ મોરબી શહેર મામલતદારની કચેરીએ જવાનુ હોય છે. પરંતુ આ દિવ્યાંગ અરજદાર ભુલથી લાલબાગ સેવા સદન ખાતે મોરબી ગ્રામ્ય મામલતદારની કચેરીમાં પહોંચી ગયેલ હોય માનવતાના ધોરણે તેઓને અરજી ફોર્મ ભરાવી આપી આગળની કાર્યવાહી કરી આપેલ હતી.