ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલુ સારંગપુર હનુમાન મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટુ કેન્દ્ર છે. અહીં પુરા ભારતભરમાંથી લોકો હનુમાન દાદાના દર્શને આવે છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સારંગપુર મંદિર ખાતે બનાવેલ હનુમાન દાદાની મૂર્તિની નીચેના ભીંતચિંતોને લઈ વિવાદ સર્જાયો છે. ત્યારે હવે રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માં એ પણ આ મામલાને લઈ આક્રોશ વ્યક્ત કર્યો છે.
રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માં એ જણાવ્યું હતું કે, સાળંગપુર મંદિર ખાતે લાખો ભક્તો હનુમાનજીનાં દર્શન કરવા આવે છે. અને હનુમાનજીનાં નામ ઉપર કરોડો રૂપિયાનું દાન આપે છે. પરંતુ તે જ હનુમાનજીને દાસ ગણાવવા તેમને પગે લાગતા દેખાડવા તે અત્યારના સંતોની નીચી માનસિકતા દર્શાવે છે. કદાચ સહજાનંદ સ્વામીએ પણ આવો વિચાર નહીં કર્યો હોય કે, આટલી હદ સુધી અધૂરા જ્ઞાન વાળી નીચી માનસિકતા હશે. વારંવાર શિવ-શક્તિ, કૃષ્ણ અને હનુમાનજીનું અપમાન કરવામાં આવે છે. હિંદુ થઈને હિંદુના દેવી-દેવતાનું અપમાન હવે સહન નહીં થાય. કેમકે હનુમાનજી તમામના દાદા છે, દાસ નહીં. દાસ ફક્ત રામના છે. તમે તમારા સંપ્રદાયમાં જે કરવું હોય તે કરો પરંતુ બીજા વિષે આવું ન કરો. તાત્કાલિક આવા ચિત્રો કે મૂર્તિઓ હટાવી લ્યો નહીંતર તમે પૈસા કે સત્તાનાં જોરે લોકોને દબાવી શકો છો. પરંતુ એક ઝૂંપડીમાં બેસેલ સાધુ કે હનુમાનજીને માનનારો સમાજ આ બધું સહન નહિ કરે. જો આ ચિત્રો હટાવવામાં નહિ આવે તો મોરબી સાધુ સમાજ અને અન્ય સમાજ પણ મેદાને આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.