મોરબીના કેનાલ રોડ પર આવેલ દર્પણ અને શિવ પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક સમયથી ખરાબ રોડ-રસ્તાને કારણે ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા હતા, છતાં તંત્ર દ્વારા રોડ-રસ્તા રીપેર નહિ કરી રોડ પરના ખાડાઓ બુરવામાં નહિ આવતા યુવા આગેવાન અને સોસાયટીના રહીશ લોકોએ આગળ આવીને 1.15 લાખના સ્વખર્ચે રોડ પર ડામર પાથરી રોડ બનાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના યુવા આગેવાન અજય લોરીયા અને સોસાયટી દ્વારા નગરપાલિકાના વોર્ડ નં 10 માં આવતા રોડ સ્વખર્ચે રિપેર કરાવવામાં આવ્યો હતો. મોરબીના કેનાલ રોડ પર આવેલ દર્પણ અને શિવ પાર્ક સોસાયટીમાં આશરે 800 જેટલા મકાનો અને 5000 જેટલા લોકો રહે છે. ત્યાં રોડની હાલત અત્યંત દયનિય હોવાથી અનેક વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. લોકની હાલાંકી દૂર કરવા માટે સેવાભાવી યુવાન અજય લોરીયા અને સોસાયટીના રહીશોએ આગળ આવીને એક લાખ પંદર હજારનો સ્વખર્ચ કરીને રોડ રસ્તા પરમાં ખાડાઓ બુરી ડામર પાથરી ચાલવા યોગ્ય રસ્તો બનાવ્યો હતો.