ટંકારા તાલુકાના સેક્શન-૨ માં આવતા ગામડાઓ જેવા કે હડમતિયા, લજાઈ, ઘુનડા, સજનપર, કોઠારીયા જેવા અનેક ગામોને સિંચાઈ નું મચ્છુ -૧ ડેમની નહેર વાટે પાણી આપવા હડમતિયા ગ્રામ પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે.
હડમતિયા ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર, ટંકારા તાલુકાના સેક્શન-૨ માં આવતા ગામડાઓને સિંચાઈ નું મચ્છુ -૧ ડેમની નહેર વાટે પાણી આપવા અમારી માંગણી છે. આ પહેલાની તેઓની જુની માંગણી હતી કે, સેક્શન-૨ સુધી ૬ કિલોમીટર પાઈપ લાઈન નાખીને નીચેના ગામોને પાણી પહોંચાડવામાં આવે અનેક ગામના ખેડુતોના પાક મુરઝાઈ રહ્યા છે. ત્યારે મોરબી સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઈજનેર ભોરણીયા સાહેબને તેમજ ટંકારા – પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને આવેદનપત્ર આપી વહેલી તકે પાણી છોડવા માટે માંગ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ ખેચાયો છે જેથી કરીને ખેડુતોનો પાક ઉપર સંકટ ઊભું થયું છે. ત્યારે પાણી ન મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેથી કરીને વહેલી તકે મચ્છુ-૧ ડેમની કેનાલ સાફ સફાઈ કરી સિંચાઇ માટેનું પાણી છોડાવવામાં આવે તેવી માંગ કરેલ છે. ત્યારે આ પ્રસંગે લજાઈ ગામના આગેવાન બળવંતભાઈ કોટડીયા, સજનપરના કેશવજીભાઈ રૈયાણી, હડમતિયા ગામના સરપંચ સોનલબેન રાણસરીયાના પતિ પંકજભાઈ રાણસરીયા, મગનભાઈ કામરીયા, ભીખાભાઈ ડાકા, પ્રવિણભાઈ ડાકા, ગ્રામપંચાયત સદસ્ય અશોકભાઈ સગર, જગદીશભાઈ સિણોજીયા તેમજ ધુનડાના ઘનુભા હાજર રહ્યા હતા.