મોરબી જિલ્લા પંચાયતની આજે કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં મોરબી જીલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના ૩૩૪ જેટલા તળાવ નાની સિંચાઈ અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાની કામગીરીમાં થયેલ કૌભાંડમાં આરોપીઓ સાથે જોડાયેલ ૨૮ મંડળી દ્વારા ભરવામાં આવેલા રૂપિયા ૭૦ લાખ જેટલી ડિપોઝિટ ની રકમ જપ્ત કરવાનો નિર્ણય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે.
મળતી માહીતી અનુસાર, મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં નાની સિંચાઈ યોજના અંગેના મોરબી જીલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના ૩૩૪ જેટલા તળાવ નાની સિંચાઈ અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ કામમાં મોટા પાયે કૌભાંડ થયું હોવાનો ઘટસ્ફોટ થતા જે તે સમયે પોલીસ ફરિયાદ બાદ તત્કાલીન કોંગ્રેસ ધારાસભ્ય પરસોતમ સાબરિયા સહિતના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે સમય વીતતા કૌભાંડ દટાઈ ગયું હોય તેવા લોકોમાં સવાલો ઉદ્ભવી રહ્યા હતા. જે બાદ આજે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ આં કામ સાથે જોડાયેલ જુદી જુદી ૨૮ મંડળી દ્વારા ભરવામાં આવેલા રૂપિયા ૭૦ લાખ જેટલી રકમ જપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.