મોરબીના આંગણે આગામી ૩૦ સપ્ટેમ્બર થી ૧૦ ઓકટોબર સુધી પૂજ્ય મોરારી બાપુની ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેની ચાલી રહેલી તૈયારીઓ દરમિયાન એક દુર્ઘટના બનવા પામી છે.જેમાં કામ કરતી વેળાએ મોબાઈલ ચાર્જ કરવા જતા વીજ શોક લાગતા શ્રમિકનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના નાની વાવડી ખાતે આવેલ કબીરધામના આંગણે પૂજ્ય મોરારીબાપુ પુલ દુર્ઘટનામાં નિર્વાણ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ તથા પ્રભુ પ્રાર્થના અર્થે રામકથાનું રસપાન કરાવવાના છે. જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. ત્યારે કથા મંડપનું કામ કરી રહેલા કેશોદના શેરગઢ ગામના શ્રમિક પ્રતિક રાજુભાઈ બાબરીયા નામના યુવાન સાથે એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં શ્રમિક મોબાઇલ ચાર્જ કરવા જતાં વીજ શોક લાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.