રાજકોટ રેન્જ આઇ.જી અશોક કુમાર યાદવદ્વારા તેમજ મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસઓજી ટીમે મોરબી તાલુકા વિસ્તારમાં નાગલપર ગામની સીમમાં આવેલ ખારાની વેણમાંથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી એસઓજીની ટીમ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય એ દરમિયાન તેઓને બાતમી મળેલ કે, નાગલપર ગામની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાતી સીમમાં ખારાની વેણમાં એક વ્યક્તિ શરીરે આછો વાદળી કલરનો શર્ટ તથા ગ્રે-કલરનુ નાઇટી પેન્ટ પહેરેલ વ્યક્તિ જેનુ નામ કિશોર હિરાભાઇ (રહે. નાગલપર) હાલમાં એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે આંટાફેરા મારે છે. તેવી બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો કિશોરભાઇ હિરાભાઇ રૂદાતલા (રહે.અમરાપર તા.જી.મોરબી) નામનો ઈસમ રૂ.૨૦૦૦/-ની કિંમતની જામગરી બંદૂક સાથે મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.