૧૫ દિવસ પહેલા સરથાણામાં બનેલી લૂંટની ઘટનામાં ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડીને તમામ કાયદાકીય કાર્યવાહી કરી વેપારીઓને હીરાનો માલ પરત આપવા માટે વલસાડ એસપી ડૉ.કરણરાજ વાઘેલાને સુરત પોલીસ કમિશ્નર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
મળતી માહિતી અનુસાર, સુરત પોલીસ અને વલસાડ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાલ થોડા દિવસ અગાઉ સરથાણા વિસ્તારમાં થયેલી ચકચારીત રૂપિયા ૪.૫ કરોડની કિંમતના હીરા લૂંટ કેસનો ત્રણ કલાકથી ઓછા સમયમાં ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો. અને પોલીસે મુંબઈ તરફ ભાગી રહેલી ગેંગને સફળતાપૂર્વક પકડી પાડી તમામ મુદ્દામાલ રીકવર કરી આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વલસાડ જિલ્લા એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા વલસાડ એસપી ડો.કરણરાજ વાઘેલાને તેમના સમર્પણ અને નિઃસ્વાર્થ અભિગમ અને વ્યાવસાયિક પ્રામાણિકતા સાથે પ્રદર્શિત પરિણામલક્ષી કામગીરી માટે અને તેમની નિષ્ઠા અને પ્રયત્નો માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કર્યું હતું.
તેમજ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા સંકલિત પ્રયાસથી માત્ર હીરાના વેપારીઓના અમૂલ્ય નાણાં બચાવ્યા જ નહીં પરંતુ ગુજરાતમાં લૂંટ જેવો જઘન્ય ગુનો આચરવો સહેલો નથી તેવો દાખલો પણ બેસાડ્યો છે. તેવું સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા જણાવવામાં આવ્યું હતું.