રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે “SAY NO TO DRUGS” ના અભિયાનને સફળ બનાવવા અને રાજકોટ શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપુર્ણ નેસ્ત નાબુદ કરાવવા માટે રાજકોટ શહેરમાં અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી નાર્કોટીકસ ડ્રગ્સ લાવી રાજકોટ શહેરમાં ઘુસાડી યુવા ધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃતી અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે સખત સુચના આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન રાજકોટ એસ.ઓ.જી. પી.આઈ જે.ડી ઝાલા સહિતની ટીમે મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર, એસ.ઓ.જી. પી.આઈ જે.ડી.ઝાલાએ રાજકોટ શહેરમાં નાર્કોટીકસ ડ્રગ્સ અંગેની બદીને સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા માટે એસ.ઓ.જી. ની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃતી કરતા ઇસમો અંગે માહીતી મેળવવા પ્રયાસો હાથ ધરવામા આવેલ હતા. તે દમ્યાન ગઈકાલે તા.૨૪/૦૯/૨૦૨૩ ના રોજ રાજકોટ એસ.ઓ.જી. ટીમને મળેલ બાતમીનાં આધારે, ૧૫૦ ફુટ રીંગ રોડ કીડવાઇનગર મેઈન રોડ તુલસી બાગ પાસે સાધના એપાર્ટમેન્ટની સામે ભાગે રાજકોટ શહેર ખાતેથી મેફેડ્રોન (એમ.ડી.) ના જથ્થા સાથે મુળ મુંબઈ ઇસ્ટમાં હાલ રાજકોટ રહેતા બ્રિજેશ ઉદયલાલ પાલીવાલ અને રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા મોનાલ ઉર્ફે ભાણો રાણાભાઇ ચિહલાની અટકાયત કરી છે. જયારે ત્રીજા આરોપી હાર્દિક હર્ષદભાઈ પરમાર રહે મુંબઈ વાળાની શોધખોળ હાથ ધરી છે. તેમજ પકડાયેલ આરોપીઓ પાસેથી રૂ.૧૩,૦૮,૪૦૦ ની કિંમતનો ૧૩૦.૮૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા બે એન્ડ્રોઇડ, એક આઈફોન તથા એક કાર મળી કુલ રૂ. ૧૮,૭૪,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ ડ્રગ્સ નુ વેચાણ કેટલા સમયથી કરતા હતા ક્યાંથી લાવતા હતા તેમજ આ ડ્રગ્સ ક્યા ક્યા વિસ્તારમાં આપતા હતા તેવા અનેક સવાલોના જવાબ મેળવવા વધુ તપાસ શરૂ કરી છે.