‘વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક’ કાર્યક્રમ અન્વયે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આગામી ૯ અને ૧૦ ઓક્ટોબર દરમિયા યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ વધુને વધુ સફળ બને અને ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અન્વયે જિલ્લાની વિવિધ પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે તેમજ જિલ્લામાં વધુમાં વધુ એમ.ઓ.યુ. થાય મુજબની તૈયારીઓ કરવા સંબંધીત વિભાગોને જણાવ્યું હતું. ઉપરાંત મંત્રીએ આગોતરી તૈયારીઓની જાણકારી મેળવી આ કાર્યક્રમ સફળ બને તે માટે સુચારૂ આયોજન કરવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશીયા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, જિલ્લા આયોજન અધિકારી સહિત જિલ્લાના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.