હળવદ માર્કેટ યાર્ડ નજીક માર્ગ અકસ્માતમાં વધુ એક યુવકનો ભોગ લેવાયો હતો. જેને લઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-હળવદ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી હળવદ સીટી પાસેથી પસાર થતાં હાઈવે રોડ પર સ્પીડ બ્રેકર અથવા વાહનોની સ્પીડ મર્યાદિત રહે એવી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-હળવદ દ્વારા મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, હળવદ માર્કેટ યાર્ડ પાસેથી હાઈવે પસાર થાય છે. જ્યાં ગઈકાલે વળી માર્કેટ યાર્ડ-હળવદની સામે એક ખેડુતનો અકસ્માતમાં ભોગ લેવાયો હતો. વારંવાર આવા અકસ્માત્ત આ જગ્યા પર સર્જાય છે. ત્યાં માર્કેટ યાર્ડના ગેટ સામે હળવા સ્પીડ બ્રેકર અથવા સર્કલ બનાવી અથવા સર્વિસ રોડ બનાવીને વારંવાર અકસ્માતનો ભોગ બનતા ખેડુતોને બચાવી શકાય અમે છે. આ રજુઆત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-હળવદ દ્વારા વારંવાર એલ એન્ડ ટી કંપની માર્ગ અને મકાન વિભાગ અને જી.એસ.આ૨.ડી.સી. ને કરેલ છે. છતાં કયારેય કોઈ જગ્યાએથી પ્રત્યુતર મળેલ નથી કે કોઈ વ્યવસ્થા પણ થયેલ નથી. ગઈકાલે એક ગંભીર અકસ્માત થયેલ હતો. જેમાં એક ખેડુતનું અકસ્માતથી મૃત્યુ થયેલ હતું. તો તાત્કાલીક આ બાબતને ધ્યાન પર લઈ માર્કેટ યાર્ડ હળવદ પાસે હળવા સ્પીડ બ્રેકર અથવા સર્કલ બનાવવા અથવા સર્વિસ રોડ બનાવવા માટેની કાર્યવાહી થાય એવું ઘટતું કરશો એવી રજુઆત ઘણા બધા માર્કેટ યાર્ડ લગત વ્યકિતઓ વતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-હળવદ દ્વારા મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં કરવામાં આવી છે.