ભારત જેવા દેશમાં સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન રામની પૂજા સાથે જ શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે.
દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે. જેનાથી શત્રુ આપનો વાળ પણ વાંકો નથી કરી શકતો. જેના કારણે સામાન્ય લોકોની સાથે પોલીસ અને ભારતીય સેના પણ પોતાના હથિયારોની પૂજા કરે છે. ત્યારે મોરબી તાલુકા પોલીસ લાઇનમાં મોરબી જિલ્લા પોલીસે પણ દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કર્યું હતું. આ તકે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.