મોરબીમાં બારિયા એન્ટરપ્રાઇઝના નામની બોગસ પેઢી ખોલી ખોટી ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડમાં જીએસટી વિભાગે ગતવર્ષે કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ ઝડપી પાડ્યું હતું. અને પેઢીના સંચાલકો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. ત્યારે હવે આ મામલે છેલ્લા એક વર્ષથી ફરાર વિપુલ ધનજી કુલતરીયાની સુરત પોલીસે મોરબીમાથી ધરપકડ કરી છે.
મીડિયા અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૨૨માં સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ દેશવ્યાપી બોગસ બિલથી જી.એસ.ટી. ઇનપુટ ક્રેડિટ હડપ કરી જવાનું રેકેટ પકડી પાડ્યું હતું. જેમાં રાજકોટ, સુરત, ભાવનગર, અમદાવાદ અને મોરબીના કૌભાંડીઓ દ્વારા અલગ અલગ નામે આઠ જેટલી બોગસ પેઢીઓ બનાવી તેમાં કરોડોનું ટ્રાન્ઝેક્શન દર્શાવી સરકાર પાસેથી રિફન્ડ મેળવી લઇ ૨૭૦૬ કરોડની છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જેમાં મોરબીની બારિયા એન્ટરપ્રાઇઝનું પણ નામ સામે આવ્યું હતું. જેમાં ૩૯.૨૦ કરોડનું બોગસ બિલિંગ થયું હતું. જેને લઇ પોલીસે મોરબીના ધર્મેન્દ્ર અજાણા, મયૂર ઉઘરેજા અને નિકુંજ ફિચડિયાની ધરપકડ કરાઇ હતી. ત્યારે આ અંગે વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, નિકુંજ ફિચદિયા એ મોરબીમાં રહેતા અને સિરામિકનો વેપાર કરતાં વિપુલ ધનજી કુલતરીયા સાથે મળી ૧૦ બોગસ પેઢીઓના નામે વ્યવહારો બતાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડયો હોવાનું બહાર આવ્યું હતું. આ ચકચારી જીએસટી ક્રેડિટ પ્રકરણમાં પોલીસે એક વર્ષથી ફરાર વિપુલ કુલતરીયાની ધરપકડ કરી છે.