મોરબીમાં ચોરીનાં બનાવો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે મોરબીના દાદાશ્રીનગર ગામે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગત તા.૧૪/૧૦/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ અંધારાનો લાભ લઈ રહેણાંક મકાનમાં ત્રાટકી સોનાના ઘરેણાં તથા રોકડા રૂપિયાની ચોરી કરી હતી. જે સમગ્ર મામલે મકાન માલિકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના દાદાશ્રીનગર ગામે રહેતા ભગવાનગીરી નટવરગીરી ગોસ્વામી ગત તા.૧૪/૧૦/૨૦૨૩ ના રોજ બહારગામ ગયા હોય જેથી તેઓએ તા-૧૬/૧૦/૨૦૨૩ ના રોજ પોતાના ઘરે આવતા તેઓના ઘરનો સમાન વેરવિખેર થઇ ગયેલ હોય જેથી તેઓએ ઘરમાં તપાસ કરતા તેઓને જાણવા મળ્યું હતું કે કોઇ ચોર ઇસમે તેમના બેડરૂમના દરવાજાનુ લોક ખોલી રૂમમા રાખેલ લોખંડના કબાટનુ બારણાનુ લોક ચાવી વડે ખોલી અંદરની બે તિજોરીના લોક તોડી અંદરથી આશરે સાતેક ગ્ર્રામની ૦૪ સોનાની લેડીઝ-જેન્સ વિટી, આશરે બારેક ગ્રામનું સોનાનુ ચેન-ચગદુ, આશરે છયેક ગ્રામની ૦૨ સોનાની ઝુમર બુટ્ટી, આશરે ચારેક ગ્રામની ૦૪ સોનાની બુટ્ટી તથા આશરે છયેક ગ્રામની એક સોનાનુ લોકેટ તેમ કુલ મળી આશરે પાંત્રીસ ગ્રામ (સાડા ત્રણ તોલા) વજનના સોનાના દાગીના જે સોનાની એક તોલા કિં.રૂ.૩૫,૦૦૦-/ લેખે ગણી કુલ રૂપિયા ૧,૨૨,૫૦૦/- તથા રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂા.-૨,૨૨,૫૦૦/- ના માલમતાની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.