મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી સીટી એ-ડીવીજન પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એચ.એ. જાડેજાએ મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ-ડીવીજન પોલીસની ટીમે પાંચ દિવસ પૂર્વે થયેલ ચીલઝડપના આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહતી અનુસાર, ગત તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે મોરબી જુના બસસ્ટેન્ડથી વિજય ટોકીઝ વાળા રોડ ઉપરથી ફરીયાદી મીનાબેન રમેશભાઇ ભવાણીયા (રહે.મોરબી નવલખીરોડ લાયન્સનગર સરમરીયા દાદા મંદીર સામે)ના હાથમાંથી રોકડ રૂ.૧૨,૦૦૦/- તથા ડોકયુમેન્ટ ભરેલ પર્સની ચીલઝડપ કરી અજાણ્યો મોટરસાયકલ ચાલક નાસી ગયેલ હોય જેથી સદરહુ ચીલઝડપ બાબતે નેત્રમ સી.સી.ટી.વી. કેમેરા તેમજ હ્યુમન સોર્સીસ આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા કોન્સ્ટેબલ સિધ્ધરાજભાઇ લોખીલ તથા સિધ્ધરાજસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે, હિરેન ઉર્ફે રવી છગનભાઇ નિમાવત (રહે.મોરબી શનાળા બાયપાસ આનંદનગર મનસુખભાઇ પટેલના મકાનમા મુળરહે.નશીતપર તા.ટંકારા) નામના ઈસમે ચીલઝડપ કરેલ જેથી મજકુર ઇસમને વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા મજકુર ઇસમે સદરહુ ચીલઝડપ કરેલ હોવાની કબુલાત આપતા બનાવમાં ઉપયોગમા લીધેલ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ તથા ચીલઝડપ કરેલ રોકડ રૂપીયા.૧૨,૦૦૦/- તેના રહેણાંક મકાનેથી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ઈસમ અંગે પોકેટ કોપ એપ પર સર્ચ કરતા ઈસમ અગાઉ પણ ચાર ગુન્હામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું.