ટંકારા તાલુકાના ટોળ ગામના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મહિલાનું વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે તબીબે ગંભીર બેદરકારી દાખવી પરિવારની મંજુરી વગર મહિલાનું ઓપરેશન કરી તેનો જીવ જોખમમાં મુકતા મહિલાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે આજરોજ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવી તબીબ વિરુધ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ગત તા 28/10/2023 ના રોજ ટંકારા તાલુકાના ટોળ ગામના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના કનુબેન બાબરીયાને પેટમાં દુખાવો ઉપડતા વાંકાનેરમાં આવેલ ખાનગી શ્રધ્ધા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેઓના પરિવારજનોની જાણ બહાર શ્રધ્ધા હોસ્પિટલના ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવેલ અને ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીનાં કારણે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના કનુબેન બાબરીયા નામના મહિલાનું મૃત્યુ નિપજેલ તેમ છતાં જવાબદાર ડોક્ટર દ્વારા પોતાનાથી થયેલ ભુલ છુપાવા માટે પોતાના સ્ટાફ તથા એમ્બ્યુલન્સ દ્વારા ઓક્સિજન પર મહિલાને રાખી અને પરિવારજનોને જણાવ્યું કે આપના દર્દીની હાલત ગંભીર છે. આમને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડશે. તેથી પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં કનુબેન બાબરીયાને લાવતાં હાજર ડોક્ટર દ્વારા કનુબેનનેં તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી પરિવારજનો દ્વારા રાજકોટ શહેરના સમાજના આગેવાનોને જાણ કરેલ અને તાત્કાલિક સમાજના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઇ પરિવારજનોને આસવાસન આપી જવાબદાર ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી પરિવાર જનો દ્વારા જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃત્યુ પામનારા કનુબેન બાબરીયાનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી રાજકોટ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ધરણાં પર બેસી ગયા જેથી આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.